પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

નેતાગીરી પોતે લેશે, એમ ગાંધીજીએ કહ્યું છે. ગાંધીજીને મૈસુરના શ્રી ભૂપાલમ ચંદ્રશેખર શેઠી સાથે વાત થઈ છે. તેની આ વિકૃતિ છે. એ વાત વખતે હું હાજર હતો. ગાંધીજીએ શ્રી ચંદ્રશેખર શેઠીને એટલું જ કહ્યું છે કે મૈસૂરમાં જે બને તેથી મને માહિતગાર રાખશો. જેથી હું જ્યાં હોઉં ત્યાંથી મૈસૂરના લોકોને સલાહ અને દોરવણી આપી શકું. આ વાતને તેઓ તે લડતની નેતાગીરી લેવાના છે, એમ શી રીતે કહી શકાય, એ મારી સમજમાં આવતું નથી.”

સરદાર તથા શ્રી કૃપાલાનીજી તા. ૬ઠ્ઠી મે એ બૅંગલોર પહોંચ્યા. મૈસૂરના મહારાજાને, દીવાન સર મિરઝાં ઇસ્માઈલને તથા સ્ટેટ કૉંગ્રેસના નેતાઓને મળ્યા. સર મિરઝાં ઈસ્માઈલ બહુ ઉદાર ગૃહસ્થ છે. તેમની સાથે થયેલી મસલતના પરિણામે બહુ સારી રીતે સમાધાન થઈ ગયું. તા. ૧૭મી મેના રોજ રાજ્યે જાહેરનામું બહાર પાડીને જણાવ્યું કે,

"થોડા વખતથી રાજ્યમાં જે ગેરસમજ પેદા થઈ છે, અને જેને લીધે રાજ્યની બંધારણ પુર:સરની પ્રવૃતિને માટે આવશ્યક એવા રાજા પ્રજાના સહકારમાં અંતરાય આવી પડ્યો છે, તેને સારુ સરકાર અને મહારાજાને બહુ અફસોસ થાય છે. મહારાજા અને તેમની સરકારને સૌથી વધારે દિલગીરી તો વિદુરાશ્વત્થમમાં બની ગયેલા કરુણ બનાવોને સારું થાય છે. એ દુ:ખદ બનાવમાં માર્યા ગયેલા તથા ઘાયલ થયેલા સૌ નિર્દોષ માણસોને માટે ને એ માણસોનાં સગાંસંબંધી અને આશ્રિતોને સારુ મહારાજા અને તેમની સરકારના મનમાં જે ઊંડી દિલસોજી છે તે તેને ફરી વાર પ્રગટ કરે છે. મહારાજા સાહેબની પ્રજાને ખબર છે કે એ આખી બાબતની તપાસ કરવાને ન્યાચખાતાના ઊંચા અનુભવવાળા નામાંકિત ગૃહસ્થોની એક નિષ્પક્ષ સમિતિ નીમવામાં આવેલી છે. એ બનાવનાં કારણો અને એ ઘટનાઓના ક્રમ વિષે પૂરેપૂરી તપાસ થાય અને તે પ્રકાશમાં આણવામાં આવે એવો સરકારનો નિશ્ચય છે.”

રાજય સાથે સરદારને થયેલા સમાધાનની શરતો નીચે પ્રમાણે હતી :

૧. મૈસુર સ્ટેટ કૉંગ્રેસને રાજ્યે માન્યતા આપવી.
૨. રાજ્યતંત્રમાં સુધારા સૂચવવા માટે નિમાયેલી સમિતિ મહારાજાના છત્ર નીચે જવાબદાર રાજતંત્ર સ્થાપવાની યોજના ૨જૂ કરી શકશે.
૩. એ સમિતિમાં સ્ટેટ કૉંગ્રેસે પસંદ કરેલા ત્રણ નવા સભ્યો રાજ્ય ઉમેરશે.
૪. મહાત્મા ગાંધીજીની સલાહ માનીને એમ નક્કી કરવામાં આવ્યું છે કે સર્વે સાર્વજનિક પ્રસંગોએ સ્ટેટ કૉંગ્રેસ મૈસૂર રાજ્યનો ધ્વજ અને હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનો ધ્વજ સાથે ફરકાવશે. એકલી સ્ટેટ કૉંગ્રેસની સભા હશે ત્યાં એકલો હિંદી રાષ્ટ્રીચ કૉંગ્રેસનો ધ્વજ ફરકાવી શકાશે.
૫. સ્ટેટ કૉંગ્રેસ સવિનય કાયદાભંગ અને કરબંધીની તમામ લડત પાછી ખેંચી લેશે. બીજી તરફથી રાજ્ય તમામ રાજકારી કેદીઓને છોડી દેશે અને સ્ટેટ કૉંગ્રેસ ઉપર મનાઈના જે હુકમ હશે તે પાછા ખેંચી લેશે.