પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૮
સરદાર વલ્લભભાઈ

ગુજરાત તમારી પાછળ છે એવું અનેક પ્રકારની મદદથી માણસાના ખેડૂતોને બતાવી આપી તેમની પીઠ થાબડી. ખૂબી તો એ છે કે ભારે ઉશ્કેરણી તથા સતામણી થયા છતાં માણસાના ખેડૂતો સંપૂર્ણ રીતે અહિંસાને વળગી રહ્યા.

ખેડૂતોનો જુસ્સો તોડી નાખવાના માણસા દરબારના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા, અને દમનનો એકે ઉપાય બાકી ન રહ્યો, એટલે તે ગભરાયો. એજન્સીએ જમીનમહેસૂલ સંબંધી તપાસ કરીને રિપોર્ટ કરવા એક ખાસ રેવન્યુ અમલદાર ત્યાં મોકલ્યો. એને પરિણામે તાત્કાલિક દમન બંધ પડ્યું. માણસા દરબારે પણ પોતાના રાજ્યના અમલદારોને બદલી નાખી પોતાની નીતિ ફેરવવાનું ડહાપણભરેલું માન્યું. જે નવા દીવાન નિમાયા હતા તેમણે સમાધાન કરવા માટે દસક્રોઈ તાલુકા સમિતિના હોદ્દેદારો તથા ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રીને આમંત્રણ આપ્યું. ખેડૂતોનાં અનેક પ્રકારનાં દુ:ખની ચર્ચા કર્યા પછી બંને પક્ષે નક્કી કર્યું કે, આ કેસ સરદારને સોંપી દેવો અને તેઓ કહે તે પ્રમાણે સમાધાન કરવું. દીવાન સરદારને મળવા મુંબઈ ગયા. તેમની સાથે ખૂબ મસલત કરી. આ વાટાધાટો પાંચ દિવસ ચાલી. તેમાં માણસા દરબારને મદદ કરવા માટે વાંકાનેરના દીવાન તથા એજન્સીના ખાસ અમલદારને પણ હાજર રાખવામાં આવ્યા. આ વાટાધાટો દરમ્યાન રાજ્યે ખૂબ જ સમાધાનીનું વલણ બતાવ્યું. ગઈગુજરી ભૂલી જઈ દરબાર અને ખેડૂતો વચ્ચે મીઠો સંબંધ સ્થપાય તે માટે સમાધાનીનો એક લાંબો કરાર કરવામાં આવ્યો. તેના સારરૂપ મુદ્દા નીચે પ્રમાણે છે :

૧. નજીકના વડોદરા રાજ્યના જમીન મહેસૂલના કાયદાને ધોરણે જમીનમહેસૂલની નવી આંકણી કરવામાં આવે. એ આંકણી એક અનુભવી અમલદાર ખેડૂતની એક કમિટીની મદદથી કરે. આ નવી આંકણીનો અમલ ૧૯૪૦ સુધીમાં કરવો.
૨. જ્યાં સુધી આ નવી આંકણી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતોને ચાલુ દરમાં રાજ્યે ૩૫ ટકાનો ઘટાડો કરી આપવો.
૩. નવી આંકણીની મુદત દસ વર્ષને બદલે વીસ વર્ષની રાખવી. તે દરમ્યાન ખેડૂતોએ જમીનમાં જે સુધારા કર્યા હોય તેના કારણે નવી આંકણી વખતે વધારો કરી શકાય નહીં. જમીન મહેસૂલની માફી અને મુલતવીને લગતા નિયમો વડોદરા રાજ્યના જેવા રાખવા.
૪. કોઈ ખેડૂત દાંડાઈ કરીને જમીનમહેસૂલ ન ભરે તે સિવાય બીજા કોઈ કારણે તેની જમીન દરબાર છીનવી લઈ શકે નહીં.
૫. કબજેદાર તરીકે ખેડૂતના બધા હક્કો જેવા કે વેચાણ આપવાના, ગીરો મૂકવાના, બક્ષિસ આપવાના, વારસામાં આપવાના વગેરે દરબારે માન્ય રાખવા.
૬. ઇનામી જમીન વિષેના ખેડૂતના ચાલુ હકો દરબારે કાયમ કરી આપવા.