પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૯
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

૭. ખેડૂતની જમીન ઉપર જે ઝાડ હોય તેની માલકી ખેડૂતની ગણાય અને તે કાપવાની તથા વેચવાની તેને છૂટ રહે.
૮. કાઈ ખેડૂત પાસે વેઠ કરાવવામાં આવે નહીં.
૯. મહેસૂલની વહીવટી બાબતમાં માણસા ખેડૂત પંચાયતે ચૂંટેલી કમિટીની સલાહ ઉપર દરબારે પૂરતું વજન આપવું.
૧૦. દરબારે બધા કેદીઓને છોડી મૂકવા. જેમના ઉપર કેસ ચાલતા હોય તે પાછા ખેંચી લેવા. વસૂલ ન થયેલા દંડ માફ કરવા. બધા દમનકારી હુકમ પાછા ખેચી લેવા.
૧૧. માણસા ખેડૂત સમિતિએ સત્યાગ્રહની લડત બંધ કરવી અને તમામ પ્રકારનો બહિષ્કાર પાછા ખેંચી લેવો.
૧૨. આ કરારમાં નક્કી થયા પ્રમાણે ખેડૂતોએ જમીન મહેસુલ ત્રણ અઠવાડિયાની અંદર ભરી દેવું.

૧૯૩૮ના જુલાઈમાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ આ વિષે નીચે પ્રમાણે ઠરાવ કર્યો :

"પોતાના આર્થિક અને રાજકીય હક્કોને ખાતર માણસા, વળા, રામદુર્ગ, જમખંડી અને મીરજ રિયાસતની પ્રજાએ બહાદુરીભરી અને અહિંસક લડત ચલાવીને તેમાં વિજય પ્રાપ્ત કર્યો છે, તેથી કૉંગ્રેસની કારોબારી સમિતિ એમને અભિનંદન આપે છે.”

૨૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડત – ૨
રાજકોટ સત્યાગ્રહ
<
સંધિ

હવે આપણે રાજકોટના સત્યાગ્રહ ઉપર આવીએ. રાજકોટનું રાજ્ય આમ તો કાઠિયાવાડનાં બીજાં રાજ્યો કરતાં નાનું છે. પણ કાઠિયાવાડની એજન્સીનું એ મથક હોઈ કાઠિયાવાડમાં રાજકોટ શહેરનું અને રાજ્યનું મહત્ત્વ વધારે છે. ગાંધીજીના પિતા કબા ગાંધી રાજકોટમાં એક વખત દીવાન હતા. રાજકોટના માજી ઠાકોર લાખાજીરાજ ગાંધીજીને પિતાતુલ્ય ગણતા અને પ્રસંગ મળ્યે ગાંધીજીને રાજકોટ બોલાવીને તેમનું બહુ સન્માન કરતા. દરબારમાં ગાંધીજીને સિંહાસન પર બેસાડી પોતે ડાબે પડખે બેસતા. એક વાર તો એમ પણ બોલેલા કે સરદાર વલ્લભભાઈ તમારા જમણા હાથ ગણાય છે તેવો હું થઈ શકું નહીં ? જવાહરલાલજી એક વાર રાજકોટ આવેલા ત્યારે તેમનું પણ જાહેર સન્માન કરેલું. આમ તેઓ નીડર, બહાદુર અને દેશપ્રેમી રાજા હતા. એજન્સીનો કશા ડર તેઓ રાખતા નહીં. પોતાની પ્રજા શી રીતે સુખી થાય તેની જ ખેવના હમેશાં રાખતા. રાજ્યતંત્રમાં