પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૧
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨


પંદર મજૂર આગેવાનોને હદપાર કરવામાં આવ્યા. આગેવાનો હદપાર થતાં હડતાલ પડી. દરબાર વીરાવાળા સમો વર્તી ગયા. હદપારીના હુકમ તેમણે રદ કરાવ્યા અને મજૂરો સાથે વીસ દિવસમાં સમાધાન કરી લીધું. આ પતી ગયા પછી ગોકળ આઠમનો મેળો આવ્યો. એ મેળામાં રાજકોટમાં જુગારના પાટલા મંડાય છે. એ જુગારની સામે અગાઉથી વાતાવરણ તૈયાર કરવા એજન્સીની હદમાં તા. ૧૫-૮-'૩૮ના રોજ એક જાહેરસભા ભરવામાં આવી. દરબાર વીરાવાળાએ એજન્સીના પોલીસ અમલદારોને અગાઉથી સાધીને એવો બેત રમ્યો કે સભા ઉપર એજન્સીની પોલીસ લાઠીમાર કરે અને ત્યાંથી નાસીને લોકો રાજ્યની હદમાં પ્રવેશ કરે કે રાજ્યની પોલીસ એ નાસતા લોકોને ફરીથી લાઠીઓ વડે ઝૂડવા તૈયાર રહે. રાજકોટના આગેવાન શ્રી ઢેબરભાઈને આ વાતનો અણસારો કાને આવેલો. પ્રજાને એજન્સીની સાથે કશી તકરાર નહોતી. પણ રાજ્ય સામે પ્રચાર કરવા એજન્સીની હદમાં ઘણી વાર સભાઓ ભરાતી તેમ આ સભા પણ રાખેલી. એટલે તેઓ એજન્સીના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી જોષીને મળ્યા. એને કહ્યું કે અમારો ઝઘડો એજન્સી સાથે નથી. પણ સભાની જાહેરાત થઈ ગઈ છે એટલે લોકો તો ભેગા થશે. પણ તમે સભાબંધીનો હુકમ કરો તો વગર તકરારે શાંતિપૂર્વક આખી સભાને લઈને અમે રાજયની હદમાં ચાલ્યા જઈશું. આવી ગોઠવણ કરીને એ. ડિ. મે. તથા પોલીસ અમલદારની સાથે જ તેઓ સભામાં આવ્યા. પણ એ પોલીસ અમલદાર સભાબંધીનો હુકમ સંભળાવે તે પહેલાં જ પોલીસે તો પોતાની પહેલાંની ગોઠવણ પ્રમાણે એકદમ સભા ઉપર લાઠીમાર શરૂ કરી દીધો. પેલા અમલદારે સીટી મારીને પોલીસને રોક્યા અને મંચ ઉપરથી લોકોની માફી માગી. પછી ઢેબરભાઈ ત્યાંથી જ આખી સભાને રાજકોટ શહેરની હદમાં લઈ ગયા. એજન્સીના વડા પોલીસ અમલદારે લેાકોની માફી માગ્યાની વાત જાહેર થઈ એટલે પહેલાંની યોજના પ્રમાણે રસ્તામાં તો રાજયની પોલીસે લોકોને માર્યા નહીં, પણ સભા ભરાઈ એટલે મૅજિસટ્રેટે સભાને ગેરકાયદે જાહેર કર્યા પહેલાં જ પોલીસ એકદમ સભા ઉપર તૂટી પડી. ઢેબરભાઈ વગેરે આગેવાનોને પણ માર પડયો. અને ત્યાંથી જ ઢેબરભાઈને તથા બીજા થોડા આગેવાનોને ગિરફ્તાર કરવામાં આવ્યા. આ ક્રૂર લાઠીમારથી તથા આગેવાનોની ગિરફતારીથી શહેરમાં હાહાકાર વર્તી ગયો અને સખત હડતાલ પડી. જે ચોકમાં લાઠીમાર થયો હતો તે જ ચોકમાં રોજ રાત્રે સભાઓ થવા માંડી, જોકે પછીથી ત્યાં લાઠીમાર થયો નહીં. પણ ભાષણ કરનારાઓની ધરપકડ થવા લાગી. લોકોનો જુસ્સો વધતો જ જતો હતો એટલે દરબાર વીરાવાળાએ ચાલ બદલી. પાંચ દિવસ પછી બરાબર ગેાકળ આઠમને દિવસે જ