પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪૫
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧

દમનનીતિ ઉપર આશાઓ બાંધશે, પ્રજામાં ભંગાણ પાડવાની આશાઓ બાંધશે, તો બોતેર વર્ષની ઉંમરે બધી આબરૂ ગુમાવીને ઘેર જશે. તમે આ દેશમાં બહુ મુત્સદ્દીગીરી કરી છે. હું કઈ મુત્સદ્દી નથી. હું તો એક ખેડૂત છું. મારી પાસે તે ઊંહુંનું એક જ એસિડ છે. કોઈ દીવાનની તાકાત નથી કે પ્રજાની મરજી વિરુદ્ધ કાંઈ કરી શકે.”

ઢેબરભાઈના પકડાયા પછી સરદારે પોતાની દીકરી મણિબહેનને તા. ૧૧મી નવેમ્બરે રાજકોટ મોકલ્યાં. તેમણે ગામડે ગામડે ફરીને ખેડૂતોને ખૂબ હિંમત આપવા માંડી અને લડતનો જોસ ટકાવી રાખ્યો. તેમનો તાપ રાજ્યથી ન જીરવાયો એટલે તા. ૫મી ડિસેમ્બરે તેમને પકડ્યાં. તેમની ધરપકડના સમાચાર બહાર પડતાં જ અમદાવાદથી શ્રી મૃદુલાબહેન રાજકોટ જવા તૈયાર થયાં. તેમનાં માતુશ્રી શ્રી સરલાદેવી રાજકોટનાં છે, એ નાતે રાજકોટની લડતમાં ભાગ લેવાનો પોતાનો અધિકાર છે એવો તેમનો દાવો હતો. પણ રાજ્યે તો સ્ટેશન ઉપરથી જ તેમને ગિરફતાર કરી દીધાં.

લડતનું જોર દિનપ્રતિદિન વધતું જતું હતું. એટલે કાઠિયાવાડના બીજા રાજાઓ તથા દીવાનોને એમ લાગતું હતું કે સમાધાન થઈ જાય તો સારું. ભાવનગરના દીવાન શ્રી અનંતરાય પટ્ટણીને આ જશ ખાટવાનું મન થઈ આવ્યું. તેમણે દરબાર વીરાવાળાને રાજકોટ બોલાવ્યા અને તેની સાથે તેઓ ઠાકોરસાહેબને મળ્યા. પણ રેસિડેન્ટ મિ. ગિબ્સન તો એવું ઈચ્છતો હતો કે દરબાર વીરાવાળાએ રાજકોટમાં પગ મૂકવો જોઈએ નહીં. એટલે તા. ૨૫-૧૧-'૩૮ના રોજ દરબાર વીરાવાળાને કાગળ લખીને જણાવ્યું કે તમે રાજકોટ આવ્યા છો એ જાણીને મને આશ્ચર્ય થાય છે. શ્રી અનંતરાય પટ્ટણીને તમને મળવું હતું તો તમને ભાવનગર બોલાવવા હતા. અથવા તમને મળવા તેમણે નટવરનગર (દરબાર વીરાવાળાનું વતન ) જવું હતું. મેં તમને સલાહ આપી છે છતાં તમે રાજકોટ શું કામ આવ્યા ? પણ વીરાવાળા તો રાજકોટ આવ્યા પછી પોતાની તબિયત મુસાફરી કરવા જેવી નથી એમ કહી રાજકોટમાં રોકાયા. એટલે ગિબ્સને તેમને કહ્યું કે તમારે ઠાકોરસાહેબને તો ન જ મળવું. છતાં વીરાવાળા રાજમહેલમાં ગયા એવી ખબર પડતાં જ પોલિટિકલ એજન્ટ મિ. ડેવીએ એમને તા. ૨૯-૧૧-'૩૮ના રોજ લખ્યું કે રાજકોટમાં કોઈને નહીં મળવાની ખાતરી આપ્યા છતાં તમે રાજમહેલમાં ગયા છો એવું સાંભળીને મને આશ્ચર્ય થાય છે. હું આશા રાખું છું કે તમે પૂરેપૂરા સાજા થઈ ગયા હસો અને આવતી કાલે નટવરનગરની મુસાફરી કરતાં તેમને કશી અડચણ નહી આવે.