પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૦
સરદાર વલ્લભભાઈ

પરિષદના ભાદરણ મુકામે ભરાયેલા અધિવેશનમાં આ વસ્તુનું આબેહૂબ વર્ણન આપ્યું છે :

“કઠોર મુકામે જ્યારે પરિષદનું ૧૩ મું અધિવેશન (૧૯૩૬ માં) પહેલવહેલું ગામડાંમાં ભરાયું ત્યારે રાજ્યની આંખ લાલ થઈ. તમે માન્યું કે એ અધિવેશનના પ્રમુખ સાથે રાજ્યને કોઈ અંગત અથવા વ્યક્તિગત અણગમાને લીધે એમ થયું છે. પણ તમારી એ માન્યતા સાવ ભૂલભરેલી હતી. ખેડૂત વર્ગમાં પ્રજામંડળનો પ્રવેશ થાય અને એનો સંપર્ક લોકો સાથે વધુ થાય એ વાતને રાજ્યનો ભય હતો. તેણે ચોખો ચાંપી જોયો. પ્રમુખના ભાષણમાંથી જ અમુક ફકરાઓ તારવી કાઢી તે ન વાંચવાનો મનાઈ હુકમ રાજ્ય તરફથી પ્રમુખ પર બજાવવામાં આવ્યો અને બાકીનું ભાષણ વાંચવાની રજા આપી. મે એ ફકરાએ વાંચી જોયા છે ને એમાં વાંધો લઈ શકાય એવું કશું જ મને જડ્યુ નથી. તે કેટલા નિર્દોષ અને સામાન્ય હતા એ તમે જોઈ શકો એટલા સારુ એમાંના થોડાક અહી ટાંકુ છું. (પોતાના ભાષણમાં એમાંના છ ફકરા વાંચી સંભળાવ્યા.)
“પણ આ તો પરિષદના શ્વાસરૂંધનની શરૂઆત જ હતી. પ્રમુખની સામે એક અગર બીજી રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યા. પ્રજામંડળની નિર્દોષમાં નિર્દોષ પ્રવૃત્તિઓ માટે ખાતા તરફથી હેરાનગતિ કરનારી દખલ શરૂ થઈ. જમીનમહેસૂલની યોગ્યતા અયોગ્યતાની તપાસ કરવા ગામડાંઓમાં જવા પ્રજામંડળે કરેલા ઠરાવથી રાજ્યના રોષનો પાર જ ન રહ્યો. રાજ્યને ભડક લાગવાનું ખરું કારણ તો આ જ હતું. એ વાત આમ ઉઘાડી થઈ ગઈ. પ્રજામંડળના પ્રથમ પંક્તિના નેતાઓ ઉપર મનાઈ હુકમ કાઢી રાજ્યે મંડળની પ્રતિષ્ઠા ભોંયભેગી કરી. આ અન્યાયી અને અગાઉ કદી નહીં અનુભવેલી નીતિ સામે પડકાર ઉઠાવવાને વડોદરા શહેરમાં જાહેર સભા પણ ન ભરાઈ શકી. રાજ્યના જિલ્લાનાં શહેરોમાં બેસીને જ જમીનમહેસૂલ વિષે તપાસ કરવા દેવા પૂરતી ખાસ રજા દીવાન સાહેબની મહેરબાનીથી આપવામાં આવી. ખુદ પ્રજામંડળના પ્રમુખ સામે ભાષણબંધીની નોટિસ નીકળી. અમલદારો વીફર્યા. પ્રજામંડળના સભ્યોના રાજીનામાં મેળવવાનો વ્યવસ્થિત પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો. કોઈ કોઈ અમલદારોએ તો કાયદાનું ખુલ્લું ઉલ્લંઘન કરી મનસ્વી હુકમો કાઢ્યા, જ્યારે કેટલાકે પ્રજામંડળના કાર્યવાહકોને તમાચા માર્યા અને ગાળો દીધી. આમ રાજ્યના અમલદારોએ સભ્યતા અને મર્યાદાને નેવે મૂકીને પ્રજામંડળની પ્રતિષ્ઠાને ધૂળમાં રગદોળવાનો પ્રયત્ન શરૂ કર્યો.
“ગયે વરસે વીસનગરમાં અધિવેશનના પ્રમુખે રાજ્યના આ આક્રમણને સહન કરી લેવાની શાણી સલાહ આપી. તે માનીને મંડળના કાર્યવાહકોએ રાજ્યના અમલદારોના અપમાનભર્યા વર્તનની અને બીજી હાલાકી મૂંગે મોંએ બરદાસ કરી, પણ તેની રાજ્ય ઉપર ઊલટી જ અસર થઈ. પરિણામ એ આવ્યું કે પરિષદની હસ્તી પણ જોખમમાં આવી પડી. અમલદારો પ્રજામંડળને દબાવી દેવાનું અભિમાન લેતા થઈ ગયા. અને ગરીબ પ્રજામાંથી કોઈ ફરિયાદ કરવા જાય તો તેને પ્રજામંડળ પાસે જવાનાં ટોણાં મારી મંડળની ખુલ્લી રીતે હાંસી કરવા લાગ્યા.”