પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨

સલાહ આપી કે આવા જુલમી રાજ્યની પ્રજા જો બહાદુર હોય તો તેણે બહિષ્કાર કરવો જ જોઈએ.

હિજરતની અસર દરબાર ઉપર સારી થશે અને તે સુલેહશાંતિનો માર્ગ પકડશે એવી આશા કેટલાકે સેવેલી. પણ સત્તાધીશને લાગ્યું કે પ્રજામંડળને કચડી નાખવાનો આ બહુ જ સારો મોકો છે. તેમણે તો પ્રજામંડળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા તમામ ઉપર ત્રાસ વર્તાવવાનું શરૂ કર્યું. ગામડાંમાં જે વેપારીઓ રહ્યા હતા તેમને પણ રાજય છોડીને જવું પડે એવી સ્થિતિ ઊભી કરી. રાજ્યના તમામ વાણિયા નોકરોને એક પછી એક કાઢી મૂકવામાં આવ્યા. પેન્શનરોનાં પેન્શન બંધ કરવામાં આવ્યાં. હિજરત કરનારાઓની માલમિલકતની તો રીતસર લૂંટ જ ચલાવવામાં આવી. ખેડૂતોને પોતાનો ઊભો પાક પણ લેવા દેવામાં ન આવ્યો. પછી દંડ અને જપ્તીઓ શરૂ થઈ. પ્રજામંડળના કામમાં જેમણે જરા પણ ભાગ લીધો હોય અને મદદ કરી હોય, તેમના ભારે દંડો કરવામાં આવ્યા અને જપ્તીથી વસૂલ કરવામાં આવ્યા. પાણશીણા ગામના કેટલાક વેપારીઓ હજી ગામમાં જ રહ્યા હતા. દરજી, કુંભાર, હજામ, મોચી વગેરેને દરબારે હુકમ કર્યો કે તેમણે આ વેપારીઓનું કશું કામ કરવું નહીં. ઉપર કહેવામાં આવ્યું છે કે, રાજ્ય તરફથી કોઈ પણ જાતના લેખી હુકમો તો કાઢવામાં આવતા જ નહોતા. બધું મોઢામોઢ જ ચાલતું.

કેટલાક નરમ પ્રકૃતિના માણસો જેઓ પ્રજામંડળમાં ભળેલા નહોતા તેમને લાગ્યું કે આવું ને આવું ચાલ્યાં કરશે તો રાજ્યની બરબાદી થશે. તેથી ૭મી જુલાઈએ ઠાકોર સાહેબનો જન્મદિવસ આવતો હતો તેના માનમાં રાજા અને પ્રજા વચ્ચે સુલેહશાંતિ કરાવવા તેમણે પ્રયત્નો કર્યા. પણ તે નિષ્ફળ ગયા. બીજી તરફથી આ હિજરતને લીધે આખા દેશની સહાનુભૂતિ લીમડીની પ્રજા તરફ વળી. વેપારીઓએ અને મિલમાલિકોએ લીમડી રાજ્યના તમામ માલને, ખાસ કરીને લીમડીના રૂનો બહિષ્કાર કર્યો. મુંબઈ શહેરમાં તો લીમડીના રૂનો બહિષ્કાર કડક રીતે ચાલુ રાખવા એક વગદાર કમિટી નિમાઈ અને લગભગ ચાર વરસ સુધી એ બહિષ્કાર ચાલુ રહ્યો. છેક જાપાન સુધી ગયેલું લીમડીનું રૂ વેચાયું નહીં.

લીમડીમાં આવી અંધેરશાહી અને જુલમ ચાલતો હતો છતાં ચક્રવર્તી સત્તા એ બધાની મૂક પ્રેક્ષક જ રહી, રાજાઓને રક્ષણ આપવાને તે ઘણી વાર આગળ આવી છે; પણ લીમડીની પ્રજા પ્રત્યે જાણે તેની કશી ફરજ જ ન હોય એમ તે વર્તી. રાજકોટના રેસિડેન્ટને તથા તાજના પ્રતિનિધિ તરીકે વાઈસરૉયને તારો કરવામાં આવ્યા પણ તે બધા વ્યર્થે ગયા. તેનો કશો જવાબ જ ન મળ્યો.