પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૮
સરદાર વલ્લભભાઈ

તેમનાથી નહી બની શકે એમ હોય ત્યાં તેઓ અળગા રહેશે. તેઓ લધુમતીમાં હશે તો તે તમને કશી મુશ્કેલી આવવાની જ નથી. એમની ચોખી બહુમતી હશે તો સંભવ છે કે તેઓ પોતાની જાતને દેબાવે નહીં.

“ મને ચિંતા તો એની થાય છે કે કૉંગ્રેસના મતદારમંડળનાં પત્રક તદ્દન ખોટાં છે એટલે બહુમતી કે લઘુમતી એ શબ્દોનો કશો અર્થ નથી. પણ કૉંગ્રેસનો તબેલો વાળીઝૂડીને સાફ કરવામાં નથી આવ્યો ત્યાં સુધી તો આપણી પાસે જે સાધન હોય તેનાથી ચલાવવું રહ્યું. મને બીજી ચિંતા એ થાય છે કે આપણી અંદર અંદર ભારે અણવિશ્વાસ છે. જ્યાં કાર્ચકર્તાઓ એકબીજાની અણવિશ્વાસ કરતા હોય ત્યાં સહકાર્ય અશકય થઈ જાય છે. ”

ઉપરના કાગળમાં ગાંધીજીએ કરેલી સૂચનાનો સુભાષબાબુએ કશો અમલ કર્યો નહીં. એમણે એપ્રિલના છેલ્લા અવાડિયામાં કલકત્તામાં કૉંગ્રેસની મહાસમિતિની બેઠક બોલાવી. એમની આગ્રહભરી વિનંતીથી ગાંધીજી પણ કલકત્તા ગયા. જોકે એમણે મહાસમિતિની બેઠકમાં હાજરી આપી નહી. ગાંધીજી સતીશબાબના ખાદી પ્રતિષ્ઠાનમાં ઉતર્યા હતા. ત્યાં એમની અને સુભાષબાબુની વચ્ચે અનેક વાર વાતચીત થઈ. પણ કશું સમાધાન થઈ શક્યું નહીં. સરદાર કલકત્તા ગયા જ નહોતા. તેમને એમ લાગતું હતું કે જે કોઈ નિર્ણય થવાનો હોય તે એમની ગેરહાજરીમાં થાય એ જ સારું. પહેલા દિવસની બેઠકમાં ખાસ કશું કામ થયું નહીં. પણ પં. ગોવિંદ વલ્લભ પંત, ભૂલાભાઈ દેસાઈ તથા શ્રી કૃપાલાની પ્રત્યે, તેઓ જયારે સમિતિની બેઠકમાંથી પોતાને ઉતારે જતા હતા ત્યારે કેટલાક લોકોએ ઉદ્ધતાઈથી ગેરવર્તન ચલાવ્યું. આ વાત શહેરમાં ફેલાઈ એટલે ઉત્તર પ્રદેશના ત્યાંના રહેવાસીઓ ઉશ્કેરાઈ ગયા. પં. જવાહરલાલજીને આ વાતની ખબર પડી એટલે ઉત્તર પ્રદેશના મહાસમિતિના સભ્યોની મદદથી તેમણે એ લોકોને શાન્ત પાડ્યા. એમ ન કર્યું હોત તો બીજા દિવસની બેઠક ભરાય તે પહેલાં બે પક્ષો વચ્ચે મારામારી થવાનો સંભવ હતો. મહાસમિતિની બીજા દિવસની બેઠકમાં સુભાષબાબુએ હાજરી ન આપી. કેવળ પોતાનું રાજીનામું મોકલી આપ્યું. મહાસમિતિએ એ સ્વીકારી લીધું અને રાજેન્દ્રબાબુને પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. ઊભા થઈ ને રાજેન્દ્રબાબુ જેવા સમિતિનું કામ ચલાવવા જતા હતા ત્યાં કેટલાક માણસોએ ઘોંધાટ મચાવી મૂક્યો. ત્રિપુરી કૉંગ્રેસના દૃશ્યની પુનરાવૃત્તિ થઈ. પણ રાજેન્દ્રબાબુ દઢ રહ્યા એટલે થોડી વારમાં ધાંધલ શાંત થઈ ગયું અને કેટલુંક ઔપચારિક કામ પતાવી નાખીને એમણે સભા વિસર્જન કરી.

આમ કલકત્તાની મહાસમિતિમાં ખાસ કંઈ કામ થઈ શક્યું નહીં, એટલે થોડા જ વખતમાં મુંબઈમાં મહાસમિતિની બેઠક ફરી ભરવામાં આવી. ત્રિપુરીમાં અને ત્યાર પછી સુભાષબાબુના અનુયાયીઓએ કોંગ્રેસી પ્રધાનો સામે એવો