પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૦
સરદાર વલ્લભભાઈ

આ આખા ઝઘડો કૉંગ્રેસની કારોબારી સમિતિ અને સુભાષબાબુ વચ્ચે હતો. છતાં સુભાષબાબુ અને તેમના અનુયાયીઓએ પોતાનો બધો રોષ સરદાર ઉપર ઠાલવ્યો. રાજેન્દ્રબાબુએ કહ્યું છે તેમ,

"સરદાર ચોખ્ખેચોખું સંભળાવી દેતા. મીઠી મીઠી વાતો કરી કોઈને રાજી રાખવાની કળા તેઓ કદી શીખ્યા જ નહોતા.”


૨૮
કૉંગ્રેસ વનવાસી બને છે

છેલ્લાં કેટલાંક વરસથી દુનિયામાં એવી પરિસ્થિતિ પેદા થઈ હતી કે તેમાંથી ગમે ત્યારે ભડકો સળગી ઊઠે અને વિશ્વયુદ્ધ ફાટી નીકળે. કૉંગ્રેસે દેશને ચેતવણી આપી રાખી હતી કે એ વખતે ઇંગ્લંડને પૈસાની, માણસોની તથા યુદ્ધ સરંજામની કશી મદદ કરવી નહીં. છેવટે એ દિવસ આવી પહોંચ્યો. ૧૯૩૯ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ઈંગ્લડે જર્મની તથા તેના મળતિયા દેશ સામે યુદ્ધ જાહેર કર્યું. ત્રીજી સપ્ટેમ્બરે વાઈસરૉયે વડી ધારાસભાને, પ્રાંતના પ્રધાનોને કે દેશની કોઈ પણ રાજદ્વારી સંસ્થાને પૂછ્યાગાછ્યા વિના હિંદુસ્તાનને યુદ્ધમાં ભળેલા દેશ તરીકે જાહેર કર્યો. ઈંગ્લેંડે પોતાના બીજા વસાહતી દેશોને તેઓ યુદ્ધમાં ભળવા માગે છે કે કેમ તે પૂછ્યું હતું. પણ હિંદુસ્તાનને એવું કશું પૂછવાની તેને જરૂર જણાઈ નહીં.

આ યુદ્ધ પ્રત્યે આપણા દેશે, ખાસ કરીને કૉંગ્રેસે જે વલણ લીધું તેમાં કૉંગ્રેસની કારોબારી સમિતિએ માર્ગદર્શન આપીને બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો. એમાં સરદારે એકલાએ ખાસ કશું કર્યું ન ગણાય. પણ કારોબારીમાં તેઓ એક અગ્રગણ્ય સભ્ય હતા. વળી પાર્લામેન્ટરી બોર્ડ, જે કૉંગ્રેસી પ્રધાનમંડળને દોરવણી આપવાનું કામ કરતી હતી તેના તેઓ ચૅરમૅન હતા. એટલે આ બધી મસલતોમાં તેમણે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. તેથી તેમના જીવનચરિત્રમાં આ પ્રકરણ પણ એક મહત્ત્વનું સ્થાન ભોગવે છે.

યુદ્ધ શરૂ થતાં જ ગાંધીજીને વાઈસરૉયે મુલાકાત માટે બોલાવ્યા. વાઈસરૉય સાથેની મુલાકાતમાં શું થયું અને યુદ્ધ વિષે ગાંધીજીની લાગણીઓ કેવી હતી તે તેમના પોતાના જ શબ્દોમાં આપવી ઉચિત છે.

"હું જાણતો હતો કે મને મારા પોતાના સિવાય બીજી કોઈ પણ માણસની વતી બોલવાની કશી સત્તા નહોતી. કૉંગ્રેસની કારોબારી સમિતિ તરફથી મને