પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૧
કૉંગ્રેસ વનવાસી બને છે

કશોયે આદેશ મળેલો નહોતો. હું તો મને તારથી નોતરું મળ્યું એટલે, મળી તે પહેલી ટ્રેન પકડીને નીકળ્યો. હું એ વાતથી પૂરો વાકેફ હતો કે નિર્ભેળ અને અદમ્ય અહિંસાનો હિમાયતી હોઈ હું પ્રજાના માનસનો પ્રતિનિધિ નહોતો. એમ કરવા જાઉં તો મારી ફજેતી જ થાય. નામદાર વાઈસરૉયને મેં' એ પ્રમાણે જણાવ્યું. તેથી મારી જોડે નામદાર વાઈસરૉયને કશી સમજૂતી કે વાટાઘાટ કરવાનો સવાલ જ હોઈ શકે નહીં. મેં જોયું કે તેમણે મને એવી કશી વાટાઘાટને સારુ બોલાવ્યો નહોતો. તેથી વાઈસરૉચ સાહેબને ઉતારેથી હું ખાલી હાથે અને કોઈ પણ પ્રકારની ખુલ્લી કે છૂપી સમજૂતી વગર પાછો આવ્યો છું. જો કશી સમજૂતી થવાપણું હશે, તો તે કૉંગ્રેસ અને સરકાર વચ્ચે હશે.

“ આમ કૉંગ્રેસને અંગેની મારી વલણ અસંદિગ્ધપણે સ્પષ્ટ કરી દીધા બાદ મેં ના. વાઈસરૉયને જણાવ્યું કે મારી પોતાની સહાનુભૂતિ શુદ્ધ માનવતાની દૃષ્ટિએ ઈંગ્લડ તથા ફ્રાન્સની સાથે છે. મેં કહ્યું કે આજ સુધી અભેદ્ય ગણાતું આવેલ લંડન શહેર લડાઈના હુમલાને પરિણામે જમીનદોસ્ત થાય એનો ખ્યાલ સરખો મને વલોવી નાખે છે. પાર્લમેન્ટનાં મકાનો અને વેસ્ટમિન્સ્ટર એબીનું કલ્પનાચિત્ર તેમની આગળ દોરતાં દોરતાં અને લડાયક હુમલાથી એ ભસ્મીભૂત થાય એનો ચિતાર આંખ આગળ આવતાં મારું હૈયું ભરાઈ આવ્યું અને કંઠ રૂંધાયો. સાચે જ મારું અંતર રડી ઊઠ્યું છે. અને એને કેમે કર્યે કળ વળતી નથી. આજે કેટલોક સમય થયાં અંતરના ઊંડાણના પ્રભુ સાથે હું અહોરાત્ર ઝઘડી રહ્યો છું કે આવડા ઉત્પાત તું જગતમાં કેમ ઊઠવા દે છે ? મારી અહિંંસા લગભગ નપુંસકતા સમી જ ભાસે છે. પણ રોજના ઝધડાને અંતે હુરહંમેશ એક જ જવાબ અંતરમાંથી ઊઠતો સાંભળું છું કે પરમેશ્વર નિર્બળ કે લાચાર નથી અને અહિંસા પણ નિર્બળ કે લાચાર નથી, નિર્બળતા અને લાચારી બધી માણસનામાં પડેલી છે. આમ મારા પ્રયત્નમાં ભલે હું ભાંગી પડું તોપણ શ્રદ્ધા ખોયા વગર મારે પ્રયત્ન ચાલુ રાખવા જોઈએ.

"હજીયે મારું અંતર ઝંખે છે કે એને ( હિટલરને) સાચી સમજ આવે અને ખુદ જર્મન પ્રજા સુધ્ધાં લગભગ આખી માનવજાતિની આરજૂ એ કાને ધરે. કારણ માણસની ગોઝારી તદબીરોને પ્રતાપે લંડન જેવાં મહાનગરો ભસ્મીભૂત થવાની બીકે ખાલી થાય એ જર્મન આમપ્રજા પણ ઠંડે કલેજે કલ્પી શકે એમ માનવાની હું ના પાડું છું. તેમનો પોતાનો અને તેમનાં ચૌટાં, ચકલાં, મહેલ મંદિરોનો એ નાશ પણ તેઓ કદી ઠંડે કલેજે ના જ ક૯પી શકે. તેથી આ ઘડીએ તો હું ભારતવર્ષની મુક્તિનો પણ વિચાર નથી કરતો. એ તો આવશે જ. પણ ઇંગ્લડ અને ફ્રાંસના ભુક્કા થાય અથવા તો જો જર્મનીને તારાજ ને ધૂળ ચાટતું કરીને ફ્રાંસ અને ઈંગ્લડ વિજયી થવાનાં હોય તો ભારતવર્ષની મુક્તિની શી કિંમત છે?

“ આવા અજોડ ઉલ્કાપાત વચ્ચે કૉંગ્રેસીઓએ તેમ જ બીજા બધા જવાબદાર હિંદીઓએ — વ્યક્તિગત નાતે તેમ જ સામુદાયિક નાતે - આ રૌદ્ર લીલામાં, ભારતવર્ષે શો ભાગ ભજવવો, એનો નિર્ણચ કરવો રહ્યો છે.”