પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪૨
સરદાર વલ્લભભાઈ


આમ ગાંધીજી પોતાની અંગત સહાનુભૂતિ અને પોતાનો નૈતિક સહકાર હોવાનું વાઈસયને કહી આવ્યા, તેની પાછળ અહિંસા વિષેની તેમની અડગ શ્રદ્ધા હતી. પણ કૉંગ્રેસની કારોબારી સમિતિના બધા સભ્યોમાં એ જાતની શ્રદ્ધા ન હતી. વળી દેશની શક્તિ વિષે પણ ગાંધીજીની અને તેમની માન્યતામાં ફરક હતા. એટલે કારોબારી સમિતિએ સ્વતંત્ર રીતે પોતાનો નિર્ણય કરવાનો હતો.

તા. ૩જી સપ્ટેમ્બરે શહેનશાહે આખા સામ્રાજ્ય જોગ એક સંદેશો બહાર પાડ્યો અને તેને અનુસરીને વાઇસરૉયે હિંદુસ્તાન જોગું એક જાહેરનામું બહાર પાડ્યું. તેમાં એમણે પોતાનો વિશ્વાસ જાહેર કર્યો કે,

“ બળજબરીના અમલની સામે માનવ સ્વતંત્રતાને પક્ષે હિંદુસ્તાન પોતાનો ફાળો આપશે અને દુનિયાનાં મહાન રાષ્ટ્રો તથા ઐતિહાસિક સંસ્કૃતિમાં પોતાના સ્થાનને છાજે એવો ભાગ તે ભજવશે. . . . આપણી સામે તો આજે માનવજાતિના ભાવિને આવશ્યક એવા સિદ્ધાંતની અને આંતરરાષ્ટ્રીય નીતિને લગતા સિદ્ધાંતોની રક્ષા કરવાનો સવાલ છે. એ મહાસિદ્ધાંતનો હિંદુસ્તાનને સારુ જે અર્થ છે તેટલો બીજે ક્યાંયે નથી. આ દેશમાં તેની જેટલી કિંમત-કદર છે તેટલી બીજે ક્યાંયે નથી. અને તેની રક્ષાને સારુ અહીંયાં સદાકાળ જેટલી કાળજી ધરાવવામાં આવી છે તેટલી બીજે ક્યાંય કોઈએ ધરાવી નથી. બ્રિટિશ સરકાર આ લડાઈમાં ઊતરી છે તે કોઈ જાતના સ્વાર્થી હેતુથી ઊતરી નથી, આખી માનવજાતિને અસર કરનારા પાયાના સિદ્ધાંતોની રક્ષાને સારુ ઊતરી છે. સંસ્કૃતિની વ્યવસ્થિત પ્રવૃત્તિને ટકાવી રાખવા સારુ ઊતરી છે, દેશ દેશ વચ્ચેના ઝઘડા બળની દરમ્યાનગીરીથી નહીં પણ શાંતિમય સાધનોથી અને સામોપચારથી શમે એવું કરવાને સારુ ઊતરી છે.”

આ ભારેખમ વચનોની સાથે વાઈસરોયે એ પણ જાહેર કર્યું કે હિન્દુસ્તાનમાં સમૂહતંત્ર સ્થાપવાનું ધ્યેય જોકે છોડી દેવામાં આવતું નથી તો પણ એ સ્થાપવાની દિશામાં ચાલતી પ્રવૃત્તિઓ યુદ્ધ દરમ્યાન બંધ રહેશે. વળી બ્રિટિશ પાર્લમેન્ટે ૧૯૩૫ના બંધારણમાં એક જ દિવસની અંદર એવી જાતનો સુધારે કરી નાખ્યો કે જ્યારે વાઈસરૉય ઇચ્છે ત્યારે પ્રાંતિક સરકારોના અધિકાર એ પોતાના હાથમાં લઈ શકે અથવા પોતાના હુકમનું પાલન તેમની પાસે કરાવી શકે.

આ ઉપરાંત ગયા યુદ્ધ (૧૯૧૪-૧૯૧૮ ના ) વખતે આપેલાં વચનો બ્રિટિશ સરકારે પાળ્યાં નહોતાં. તુર્કી જ્યારે જર્મનીના પક્ષમાં જોડાયું ત્યારે ઇંગ્લ્ન્ડના વડા પ્રધાને હિન્દુસ્તાનના મુસલમાનોને સાફ વચન આપેલું કે જોકે તુર્કી દુશ્મન પક્ષમાં જોડાયું છે છતાં લડાઈ પૂરી થયે અમે તુર્ક સામ્રાજ્યની અખંડિતતા જાળવીશું. જે વખતે વડા પ્રધાન આ વચનો ઉચ્ચારતો હતો તે જ વખતે ફ્રાન્સ અને રશિયા જોડે છૂપા કોલકરાર કરી તુર્ક સામ્રાજ્યને