પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૬
સરદાર વલ્લભભાઈ

ગેરવાજબી ઉતાવળ કરી છે. વળી કૉંગ્રેસ અસહકારની વાત કરે છે એ તો ઘડિયાળનો કાંટો અમુક વરસો પાછું ઠેલવા બરોબર છે. એમાંથી સવિનય ભંગ ઊભો થાચ, કાયદા અને વ્યવસ્થામાં ભંગાણ પડે અને તોફાનો તથા દમનનું વિષચક્ર જેમાંથી આપણે કાયમને માટે નીકળી ગયા છીએ એમ માનતા હતા તે ઊભું થાય. . . . ઘણા વખતથી સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ અમે છોડી દીધી છે. અમે માનીએ છીએ કે દુનિયામાં અમારું કામ બીજા લોકો ઉપર રાજ્ય ચલાવવાનું નથી, પણ બીજા લોકોએ પોતાનું રાજ્ય કેમ ચલાવવું એ તેમને શીખવવાનું છે.”

આ ભાષણનો જવાબ આપતાં ગાંધીજીએ નીચેના સૂચક પ્રશ્નો પૂછ્યા :

“ ડોમિનિયન સ્ટેટસ સ્વતંત્રતાનો પર્યાયવાચી ન હોય, આઝાદીના અર્થમાં જ એ શબ્દ વાપરવો ન હોય તો હિન્દ માટે તેનો કશો અર્થ ખરો? સર સેમ્યુઅલની કલ્પનાના હિન્દને બ્રિટિશ સામ્રાજ્યમાંથી છૂટા પડવાનો હક હશે કે નહી ? બ્રિટિશ પ્રજાએ સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાનો ત્યાગ કર્યો છે એ સર સેમ્યુઅલ કરેલી જાહેરાત મને ગમે છે. એ મહત્ત્વાકાંક્ષા સાચેસાચ છૂટી ગઈ છે કે કેમ એ વિષે, સર સેમ્યુઅલ હિન્દની પ્રજાને પોતાની જાતે ખાતરી કરી લેવા દેશે કે નહી ? જો તેમની હા હોય તો હિંદને બંધારણથી તેવું આઝાદ બનાવવાનો અવસર આવે તે પહેલાં પણ એ વાતની સાબિતી આપી શકાચ. પણ જ્યારે કૉંગ્રેસે માગી છે એવી જાહેરાત કરવા સામે લઘુમતીઓના રક્ષણની વાત આગળ ધરવામાં આવે છે ત્યારે સર સેમ્યુઅલની મહાન જાહેરાત કથીર જેવી લાગવા માંડે છે.

"હું જોઉં છું કે સર સેમ્યુઅલે યુરોપિયનોને પણ એક લધુમતી કોમ તરીકે ગણાવી છે. યુરોપિચનનો આ ઉલ્લેખ જ મારા અભિપ્રાચ પ્રમાણે લધુમતીઓના હિતના રક્ષણની વાતને વાહિયાત ઠરાવે છે. લઘુમતીઓ જોડે યુરોપિંચનોને તેમ જ રાજાઓને જોડી દઈને તો તેઓ પોતાનો આખો કેસ જ હારી જાય છે. જેમનાં હિન્દમાં ધરબાર નથી અને યુરોપમાં જ જેમનાં બધાં મૂળિયાં છે એવા યુરોપિયનો જો હિન્દની લધુમતી કોમ હોય તો આ દેશમાં પડેલા બ્રિટિશ સોલ્જરો તેમ જ ગોરા મુલકી અમલદારો પણ કાં નહીં ? તેઓ તો ખોબા જેટલા છે, સાવ ટચૂકડી લધુમતી કોમ જેટલા છે. તેમને સારુ રક્ષણ કાં ન માગવું ? બીજા શબ્દોમાં કહીએ તો પ્રજાને જીતીને લીધેલા હકો જેમના તેમ કાચમ રાખવાની આ બધી પેરવી છે. યુરોપિયનોનાં હિત હિન્દને માથે ઠોકી બેસાડવામાં આવ્યાં છે અને બ્રિટિશ સંગીનોને જોરે તેનું રક્ષણ કરવું છે. . . .

"વળી રાજાઓ પણ યુરોપિયનોની હારમાં જ ઊભેલા નથી શું ? એમાંના સઘળા નહી તો ઘણા સામ્રાજ્યે જ સર્જેલા છે. અને સામ્રાજ્યનાં જ હિતોને અંગે તેમને નભાવવામાં આવે છે. રાજાઓ કોઈ વાતે તેમની પ્રજાના પ્રતિનિધિ નથી. એવા રાજાઓને લધુમતી તરીકે ગણવાનું કૉંગ્રેસને કહેવામાં આવે છે. પોતાના બ્રિટિશ માલિકના આધાર વિના રાજાઓથી શ્વાસ પણ લઈ શકાય તેમ નથી. કૉંગ્રેસીઓ જોડે કશી સમજણમાં ઊતરવાનું તો દૂર રહ્યું, તેમને મળવાની પણ છૂટ રાજાઓને નથી હોતી.”