પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૯
વ્યક્તિગત સવિનય ભંગ, કોમી રમખાણો અને સરદારની બીમારી


બહાર આવ્યા પછી અમદાવાદ જિલ્લાના કાર્યકર્તાઓ આગળ કૉંગ્રેસ હાઉસમાં તેમણે કાઢેલા નીચેના ઉદ્‌ગારો ઉપરથી આ દુઃખનો ખ્યાલ આવે છે :

“હું અમદાવાદમાંથી ગયો તે વખતનું અમદાવાદ આજે નથી. અહી હુલ્લડ થયાં એમાં કેવળ નિર્દોષ માણસો માર્યાં ગયાં. કેટલાકની મિલકત નાશ પામી. છતાં મને વધુ દુઃખ એ વાતનું થયું છે કે, આપણી ઇજ્જત ગઈ. ધન તો ફરીથી મળી શકે છે. થોડાંએક મકાનો બળી ગયાં, થોડાં બજાર બળી ગયાં, એ તો બધાં કાલે ઊભાં થશે. થોડા ભિખારી પણ થયા. એમ તો હિંદુસ્તાનમાં ભિખારીઓની ખોટ નથી. પણ આબરૂ ગઈ, ઈજ્જત ગઈ એ ખોટ ભરપાઈ થઈ શકે એમ નથી. આપણી પ્રતિષ્ઠા હતી કે, આ તો વેપારીઓનું, સુલેહશાંતિનું શહેર છે. ત્યાં આ બન્યું જાણીને મને જેલમાં ખૂબ દુઃખ થયું. આનું કારણ પોલીસનું રક્ષણ માગવાની આપણી આદત. આપણા જેટલા નિર્દોષ મર્યા એના કરતાં અડધા માણસો સામા થઈને મર્યા હોત તો ઠીક હતું. હવે રક્ષણનો ઇલમ શીખી લેવો જોઈએ.
“પણ તમે તો ભીંત ભૂલ્યા ને તોફાનની તપાસ માગી. અરે, કોઈ દિવસ ખૂની પોતાનો મુકદમો ચલાવીને ફાંસીએ લટકતો હશે ખરો ? એ શું તપાસ કરે ? પણ ભૂલમાંથી આપણે પાઠ શીખવો જોઈએ, ગયેલી આબરૂ પાછી મેળવવી જોઈએ.

બીજે દિવસે અમદાવાદમાં જાહેરસભામાં ભાષણ આપતાં કહ્યું :

“આ શહેરમાં તોફાન થયું અને બજારમાં ધોળે દહાડે મકાન સળગાવવામાં આવ્યાં. દુકાનો લૂંટાવાના અવાજ મારે કાને પડ્યા. તેથી મને જે દુઃખ થયું એનો ઘા હજી રુઝાયો નથી. એ દુઃખ હું જીરવી નથી શકતો. હજી એમાંથી છૂટ્યો નથી … તમને એકદમ શું સૂઝ્યું કે એકબીજાનાં ગળાં કાપવા બેઠા ? ઓએક નિર્દોષ માણસો કમોતે મરી ગયા તેને બદલે દસ માણસો હિંમતપૂર્વક મરી ગયા હોત તો આ કદી ન બનત. મારે તમને કહેવું જોઈએ કે, ગાંધીજીને આથી ખૂબ દુઃખ થયું છે. અમદાવાદે એની હાંસી કરાવી છે.
“બધા પાછા સરકારની પાસે ગયા અને કહ્યું કે આ કોણે કર્યું તેની તપાસ કરો. ખૂની કોઈ દિવસ કોણે ખૂન કર્યું એની તપાસ કરતો હશે ?
“ભવિષ્યમાં કોઈ દહાડો તમે નાસતા નહીં, મુકાબલો કરજો. એ બધી દુનિયા કરે છે. એથી આગળ ગાંધીજીનો સત્યાગ્રહનો માર્ગ પણ છે. હિન્દુ હોય કે મુસલમાન, સામી છાતીએ મરો, પણ અહિંસાનું બહાનું ન કાઢો. આ તોફાનોમાં તો અહિંસાનું નામનિશાન નહોતું. અહિંસાને આપણે કાયરતાનું ઢાંકણ બનાવ્યું હતું.”

જેલમાં સરદારની તબિયત ખૂબ જ લથડી. આંતરડાં ગૂંચળું વળી જઈને કોઈ કોઈ વાર ઉપર ચડી જતાં હતાં. પેટ ઉપર નરી આંખે તે જોઈ શકાતું હતું. તે વખતે પીડા પણ બહુ થતી. સરકારને લાગ્યું કે ઑપરેશન વિના એનો બીજો ઈલાજ નથી, અને ઑપરેશન જોખમકારક