લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સરદાર વલ્લભભાઈ
વળતર આપવામાં નહી આવે, તેમ જ વેચાણની ઊપજ પાછી આપવામાં નહીંં આવે. સિવાય કે જે કાયદેસર લહેણાને માટે તે મિલકત વેચવામાં આવી હોય તેના કરતાં ઊપજેલી રકમ વધારે હોય.
“જ્યાં સ્થાવર મિલકત ત્રીજા પક્ષને વેચી દેવામાં આવી છે ત્યાં સરકારને સંબંધ છે ત્યાં સુધી સોદો છેવટનો ગણાવો જોઈએ.
“મિલકતની જપ્તી કાયદેસર નથી એ મુદ્દાસર કોઈ પણ માણસને કાયદેસર ઇલાજ લેવો હોય તો તે લેવાની છૂટ રહેશે.
“સરકાર માને છે કે બહુ જ જૂજ કિસ્સા એવા હશે જ્યાં લેણાની વસૂલાત કાયદાની કલમો પ્રમાણે ન થઈ હોય. એવા કિસ્સા હોય તો તેને પહોંચી વળવા સારુ સ્થાનિક સરકારી જિલ્લા અમલદારોને આ જાતની ફરિયાદોની તાકીદે તપાસ કરવાની અને જ્યાં ગેરકાયદેપણું સાબિત થાય ત્યાં વિના વિલંબે ન્યાય આપવાની સૂચનાઓ મોકલશે.”

યુક્ત પ્રાંતમાં ઘણા કિસાનો ચાલુ સાલે મહેસૂલ નહીં ભરી શકેલા. તેમણે સવિનય ભંગની લડતના કારણે જ તેમ કર્યું નહોતું પણ ખેતીની ઊપજના ભાવ એટલા ઊતરી ગયેલા હતા અને આર્થિક મંદી એટલી બધી આવી હતી કે કિસાનો પાસે જમીનદારોને ગણોત ભરવાના પૈસા જ નહોતા. સંધિ થયા પછી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ કિસાનોની ગણોત ભરવાની અશક્તિને કારણે રાહતની માગણી કરવા માંડી અને રાહતની બાબતમાં કશો નિકાલ ન થાય ત્યાં સુધી ગણોત ન આપવાની કિસાનોને સલાહ પણ આપવા માંડી. રાહતની બાબતમાં તપાસ કરી લોકોને ન્યાય આપવાને બદલે હિંદ સરકારના હોમ સેક્રેટરી મિ. ઇમર્સને ગાંધીજીને તા. ૨૧–૩–’૩૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે,

“સ્થાનિક કૉંગ્રેસ આ જાતનું વલણ રાખે તો નાકરની લડત બીજા રૂપમાં ચાલુ જ રહે છે અને સંધિના મૂળ હેતુનું પાલન થતું નથી.”

ગાંધીજીએ તા. ર૩–૩–’૩૧ના રોજ જવાબમાં જણાવ્યું કે,

“મારા કહેવાથી આ પ્રશ્ન ઉપર પંડિત જવાહરલાલ નેહરુએ એક નોંધ તૈયાર કરી છે તે આ સાથે મોકલું છું. એ નોંધમાં જણાવ્યા મુજબ સ્થાનિક કૉંગ્રેસ સમિતિઓનું વલણ મને વાંધાભરેલું લાગતું નથી. મારો અભિપ્રાય એવો છે કે કૉંગ્રેસ સમિતિઓની મદદને સ્થાનિક અમલદારો પાછી નહીં ઠેલે અને તેમની પ્રવૃત્તિ ઉ૫ર વહેમની નજરથી નહીં જુએ તો બધું કુશળ જ છે.”

પણ અમલદારો તો કૉંગ્રેસને લોકોની પ્રતિનિધિ તરીકે સ્વીકારવા જ તૈયાર નહોતા. એટલે મિ. ઇમર્સને તા. ૩૧–૩–’૩૧ના રોજ જવાબ આપ્યો કે,

“આર્થિક હાડમારીઓના પ્રશ્નનો વિચાર કરવાનું કામ મહેસુલખાતાનું છે. એ બાબતમાં કૉંગ્રેસ પોતાના તંત્રનો ઉપયોગ કરે એવું સૂચન સંધિમાં અથવા વાઈસરૉય સાથેની આપની વાતમાં હતું નહીં.”