પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
બારડોલી તપાસ અને સંધિભંગ

એટલામાં દિવાળીની રજાઓ આવતી હતી એટલે રજાઓ ઊઘડતાં ૧રમી નવેમ્બરે તેમણે લેખી ચુકાદો આપ્યો કે આ તપાસમાં સરકારી કાગળિયાં જોવાની તથા રજૂ કરવાની કૉંગ્રેસ પક્ષની માગણી તેઓ સ્વીકારી શકતા નથી. તપાસણી અમલદારે આ મુદ્દા ઉપર જે ચુકાદો આપ્યો તેમાં વિશેષ આશ્ચર્ય પમાડે એવું તો એ હતું કે આખો પુરાવો પોતાની સમક્ષ આવી જાય ત્યાર પછી જે બાબતો ઉપર તેમણે નિર્ણય આપવો જોઈતો હતો તેવી બાબતો ઉપર પણ પોતાના અભિપ્રાયો તેમણે દર્શાવી દીધા. આ ચુકાદો આપતાં તપાસણી અમલદારે જે વલણ લીધું, તથા જે અભિપ્રાયો દર્શાવ્યા તે જોતાં આ તપાસમાં વધુ વખત સામેલ રહેવામાં કશો ન્યાય મળે એમ નથી એમ શ્રી ભૂલાભાઈને લાગ્યું, અને તેમણે કૉંગ્રેસ તથા ખાતેદારોને આ તપાસમાંથી નીકળી જવાની સલાહ આપી. એ સલાહને માન્ય રાખી સરદારે બારડોલીના ખાતેદાર જોગ એક સંદેશો બહાર પાડી તપાસમાંથી નીકળી જવાનું સૂચવ્યું. સંદેશામાં તેમણે જણાવ્યું કે,

“તપાસનું વલણ મને વિરોધી તથા એકપક્ષી લાગતું જ હતું. પણ જ્યાં સુધી આપણા બૅરિસ્ટરને એમ ન લાગે કે આગળ તપાસ ચલાવવી નિરર્થક છે ત્યાં સુધી હું તપાસમાં સામેલ રહેવા તૈયાર હતો. સરકારના કબજામાં જે કાગળો છે તે રજૂ કરવામાં ન આવે અને આપણને જોવા દેવામાં ન આવે એવો હુકમ તપાસણી અમલદારે કર્યો છે, તેથી સરકારી સાક્ષીઓની ઊલટતપાસ પર કશો અંકુશ રહેતો નથી. એટલે આવી ખાંડી તપાસ આગળ ચલાવવી એમાં કશો સાર નથી એવું મને લાગે છે. એટલે શ્રી ભૂલાભાઈ સાથે મસલત કરીને તપાસમાંથી આપણે નીકળી જવાનું મેં નક્કી કર્યું છે. હવે પછી તપાસણી અમલદાર અથવા બીજા કોઈ સરકારી અમલદાર તરફથી આ તપાસને અંગે તમને જે કંઈ સૂચના આપવામાં આવે તેનો અમલ કરવાની તમારે જરૂર રહેતી નથી. આપણે નીકળી ગયા છીએ એની ખબર મેં મહાત્મા ગાંધીને તારથી આપી દીધી છે.”

પણ ગુજરાતમાં આ એક જ મુશ્કેલી નહોતી. પિકેટિંગની બાબતમાં તો અમલદારો પારાવાર અડચણો ઊભી કરી રહ્યા હતા. બોરસદ તાલુકામાં રાસ ગામે અદ્ભુત શૌર્ય બતાવીને ખુવારી વહોરી લીધી હતી. સંધિ થયા પછી તેની કદર કરવાને બદલે તેને જરા પણ રાહત ન આપવી એ જાણે અમલદારોએ નિશ્ચય કર્યો હતો. મે મહિનામાં સીમલાથી પાછા ફરતાં ટ્રેનમાંથી તા. ૧૭–૫–’૩૧ના લખેલા એક કાગળમાં મહાદેવભાઈ સરદારને જણાવે છે કે,

“ઇમર્સનની સાથે ચાર દિવસ વાતો થઈ. ચાર દિવસને અંતે બાપુએ કહ્યું, ‘આ માણસ જગતનો ઉતાર છે. માત્ર મારી સાથે પ્રામાણિકપણે વર્તે છે એટલું એની તરફેણમાં છે.’ એ માણસ દરેક બાબતમાં પ્રાંતિક સરકારના કામમાં અમે કેમ દખલ કરી શકીએ એમ કહીને હાથ ધોઈ નાખે છે, જોકે ત્યાં