પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
સરદાર વલ્લભભાઈ

આ ગામમાં કુલ અગિયાર ખાતેદારોએ ફરિયાદ કરી હતી. સરકારે પોતાના લેખી જવાબમાં જણાવ્યું હતું કે ખાતેદારોની ફરિયાદ જૂઠી છે અને અગિયાર ફરિયાદીઓમાંથી ત્રણ ફરિયાદીઓ તો મામલતદાર ગામ છોડી ગયા પછી પોતાની રાજીખુશીથી તલાટીને પૈસા ભરી ગયા હતા. બાકીનાઓએ પણ મામલતદાર તરફથી માગણી થતાં મહેસૂલ ભરી દીધું હતું. કોઈ જાતનો જુલમ કરવો પડ્યો નહોતો. શ્રી ભૂલાભાઈએ મામલતદારની ઊલટતપાસ પાંચ દિવસ સુધી કરી અને તેમાં સરકારી કેસના ભૂકેભૂકા કરી નાખ્યા. આ ગામોએ પોલીસને કેવળ પોતાના રક્ષણાર્થે જ લઈ જવામાં આવી હતી એ બચાવ કેવો લૂલો હતો એ ઊલટતપાસમાં ઉઘાડું દેખાઈ આવ્યું. કારણ એ જ ગામમાં આ જ વખતે મામલતદાર પોલીસ વિના પણ ફરતા હતા એ તેમણે કબૂલ કર્યું. વળી જે ત્રણ ખાતેદારોએ મામલતદારના ગામ છોડી ગયા પછી મહેસૂલ ભરેલું કહેવામાં આવ્યું હતું, તેમની પાવતીઓના ક્રમાંક જોતાં તો તેમણે મામલતદારની રૂબરૂ પૈસા ભર્યા હતા એમ દેખાતું હતું. એટલે એ નક્કી કરવા માટે મામલતદારની કચેરીમાં રાખવામાં આવતાં પાવતીઓનાં અડધિયાં રજૂ કરવાની માગણી કરવામાં આવી. પણ મામલતદારે તે રજૂ કરવાની ના પાડી. વળી ફરિયાદવાળાં ગામોમાં મહેસૂલ ઉઘરાવવા જતાં મામલતદારને પોલીસનો રક્ષણની જરૂર જણાઈ હતી, જ્યારે તે જ અરસામાં બીજાં ગામોએ પોલીસ લીધા વિના તેઓ મહેસૂલ ઉઘરાવવાના કામ માટે ગયા હતા, તે સાબિત કરવા માટે તેમની ડાયરી માગવામાં આવી. તેની પણ ના પાડવામાં આવી. આ ઉપરાંત પોલીસ લઈ જવાની પરવાનગી આપ્યા બાબત કલેક્ટરે તેમને કાંઈ કાગળ લખ્યો હોય તો તે, મહેસૂલની ઉઘરાત સંબંધી મામલતદારે કલેક્ટરને જે રિપોર્ટો મોકલ્યા હોય તે તથા આ બાબતમાં મુંબઈ સરકાર તરફથી કાંઈ હુકમો કે સૂચનાઓ મળી હોય તો તે, વગેરે કાગળો માગવામાં આવ્યા. પણ એ રજૂ કરવાની ના પાડવામાં આવી. પોતાની ડાયરી તથા તલાટીઓના રિપોર્ટ રજૂ કરવાનું મામલતદારે પહેલે દિવસે કબૂલ કરેલું પણ બીજે દિવસે તે રજૂ કરવાની ના પાડી.

ન્યાય અને સત્યશોધની ખાતર તેમ જ કાયદાની રૂએ પણ આ બધાં કાગળિયાં રજૂ કરવાનું સરકાર બંધાયેલી હતી, એ વિષે શ્રી ભૂલાભાઈએ કાયદાના આધાર બતાવી સચોટ દલીલો કરી. તપાસણી અમલદાર મિ. ગૉર્ડનની દલીલ એ હતી કે પોતે એક રેવન્યુ અમલદાર છે અને પોતાના ઉપરી અધિકારીઓની પરવાનગી વિના સરકારી કાગળો રજૂ કરવાનો હુકમ તેઓ આપી શકે નહીં. શ્રી ભૂલાભાઈ એ તપાસણી અમલદાર તરીકે તેઓ રેવન્યુ અમલદાર નથી પણ એક ન્યાયાધીશ છે એ જાતની દલીલ કરી.