પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગાંધીજી અને સરદારની ગિરફતારી : સરકારનું દમનચક્ર

લંડનની ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવેલા પોતાના માનીતા નેતાને પ્રજાએ અપૂર્વ માન આપ્યું. મુંબઈનાં આબાલવૃદ્ધ સૌ નરનારીઓએ અસાધારણ પ્રેમ અને ઉત્સાહથી રસ્તે રસ્તે, ગલીએ ગલીએ અને અટારીએ અટારીએથી ગાંધીજીનું અનુપમ સ્વાગત કર્યું. તે જ દિવસે સાંજે લગભગ દોઢ લાખની માનવ મેદની આગળ પોતાના ભાષણમાં તેમણે પ્રજાને મૃત્યુનો ડર કાઢી નાખી તેને મિત્રની જેમ ભેટવાનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું: “સત્યનો, પ્રામાણિકતાનો અને મારવાનો નહીં પણ મૃત્યુને ભેટવાનો મંત્ર ગોખી રાખજો.”

સરદાર અને કૉંગ્રેસની કારોબારી ગાંધીજીને મળવાને માટે આતુર બનીને મુંબઈમાં બેઠી હતી. સરકારનો વિચાર બધા નેતાઓને ગાંધીજી સાથે મેળાપ થવા દેવાનો નહોતો. એટલે સરહદના ખાન બંધુઓને તથા યુક્ત પ્રાંતના જવાહરલાલજી વગેરેને પકડી લીધા હતા એ આપણે જોઈ ગયા. ભારે પજવણી છતાં સરદારે ગુજરાત પાસે એવી ખામોશ રખાવી હતી અને પોતે પણ સરકારની ચાલમાં ન ફસાવાની એવી તકેદારી રાખી હતી કે તેમને પકડવાનું કશું બહાનું સરકાર શોધી શકી નહીં. સરકાર ગમે તેટલા અત્યાચારો કરે પણ કૉંગ્રેસને માથે સંધિભંગનો આરોપ ન આવે એ સાચવવા માટે અને લોકોને શાંત રાખવા માટે ગાંધીજીની ગેરહાજરીમાં સરદારે લોહીનું પાણી કરી નાખ્યું હતું. પણ ગાંધીજી હિંદુસ્તાનને કિનારે ઊતર્યા ત્યારે સરકાર તરફથી તો લડતનાં ડંકાનિશાન વાગી રહ્યાં હતાં. કારોબારીના સભ્યો પાસેથી બધી હકીકત જાણી લીધા પછી તા. ર૯મીએ ગાંધીજીએ વાઈસરૉયને નીચે પ્રમાણે તાર કર્યો :

“બંગાળના ઑર્ડિનન્સનો ભેટો મારે કરવાનો જ હતો. પણ તે ઉપરાંત હિંદને કિનારે ઊતરતાં જ સરહદ પ્રાંત અને યુક્ત પ્રાંત વિષેના ઑર્ડિનન્સો વિષે, સરહદ પ્રાંતમાં થયેલા ગોળીબાર વિષે તથા બંને પ્રાંતમાં મારા કીમતી સાથીઓની ગિરફતારી વિષે સાંભળવા હું તૈયાર નહોતો. આ બધું આપણી વચ્ચેના મૈત્રીસંબંધના અંતનું સૂચક છે એમ માનવું કે કેમ, એ હું જાણતો નથી. હજી હું આપને મળું અને કૉંગ્રેસને મારે શી સલાહ આપવી એ બાબતમાં આપની પાસેથી કાંઈ માર્ગદર્શન મેળવું એવું આપ ઇચ્છો છો કે કેમ, તે પણ હું જાણતો નથી. આ૫ તારથી જવાબ આપશો તો આભારી થઈશ.”

વાઈસરૉયે તા. ૩૧મીએ તારથી આનો જવાબ આપ્યો. તેમાં ત્રણે પ્રાંતના ઑડિનન્સો વિષે ખુલાસા આપી જણાવ્યું કે,