પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
ગાંધીજી અને સરદારની ગિરફતારી : સરકારનું દમનચક્ર
તથા લોકોને દોરવાની બીજી તક હવે મને નથી મળવાની એવા ખબર, જેનો ઇન્કાર નથી કરવામાં આવ્યો અને જેને હિંદી સરકારની તાજેતરની પ્રવૃત્તિઓથી ટેકો મળે છે, તે ઉપર આધાર રાખીને કાર્યવાહક સમિતિએ મારી સલાહ સ્વીકારી છે અને જરૂર પડ્યે અમલ કરવા માટે ઠરાવ ઘડી રાખ્યો છે અને તેમાં સવિનયભંગની રૂપરેખા આંકી રાખી છે. એ ઠરાવની નકલ આ સાથે મોકલું છું. જો મને મળવામાં સાર છે એમ વાઈસરૉય સાહેબ માને તો ચર્ચા ચાલુ હશે તે દરમ્યાન ઠરાવનો અમલ મુલતવી રહેશે, એવી આશાએ કે ચર્ચાને પરિણામે ઠરાવને છેવટને માટે પડતો મૂકવાનો વખત આવે. હું સ્વીકારું છું કે નામદાર વાઈસરૉય અને મારી વચ્ચેના સંદેશા એટલા બધા મહત્ત્વના છે કે તે પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય એ યોગ્ય નથી. એટલે મારો તાર, તેનો જવાબ, તેનો વળતો જવાબ તેમ જ કાર્યવાહક સમિતિનો ઠરાવ પ્રસિદ્ધિ માટે હું મોકલી દઉં છું.”

‘હિંદ કલ્યાણ ચિંતક’ નામના એક મંડળના માણસો જેમાં કેટલાક અંગ્રેજો પણ હતા તેઓ ગાંધીજીને મળવા આવ્યા અને આગ્રહ કરવા લાગ્યા કે તમે સરકાર સાથે સહકાર કરો. ગાંધીજીએ તેમને જે જવાબ આપ્યો અને ત્યાર પછી તેમની સાથે જે વાતચીત થઈ તે આખી પરિસ્થિતિ ઉપર બહુ સુંદર પ્રકાશ પાડે છે. અને ગાંધીજીનું તેમ જ કૉંગ્રેસી નેતાઓનું માનસ સમજવામાં પણ આપણને મદદ કરે છે. ગાંધીજીએ તેમને કહ્યું :

“હું તદ્દન માનશૂન્ય બનું, દાંતે તરણું ચાવતો જાઉં તો તો સહકારને માર્ગ ખુલે છે. બાકી આ સંજોગોમાં માનભેર રહીને સહકારનો માર્ગ મને નથી દેખાતો. સરકારને તો એ ચીડ છે કે કૉંગ્રેસની લાગવગ પ્રજામાં વધે છે અને કૉંગ્રેસ બળવાન બને છે. કૉંગ્રેસ પોતાની શાળાઓ કાઢે, ઇસ્પિતાલ કાઢે, લવાદી અદાલતો કાઢે એ શું કૉંગ્રેસનો દોષ ગણાય? અને આખરે તો આ સરકારે ખસી જઈને કૉંગ્રેસને સત્તા સાંપવાની છે એમાં તમને કશી શંકા છે ? કૉંગ્રેસ આજે એ સ્થાન લેવાને તૈયાર છે એમ સિદ્ધ કરવા માગે છે. એ સ્થિતિમાં કૉંગ્રેસે શું કરવું એ તમે મને કહેશો ? તમે તો હિંદુસ્તાનના કલ્યાણનું અઠવાડિયાના એક નવરાશના કલાકમાં ચિંતન કરો છો. અમે ચાવીસે કલાક કરીએ છીએ. અમારે જીવનમાં બીજું કામ નથી.”
એક અંગ્રેજ મિત્રે ઊભા થઈને પૂછ્યું : “આ ઑર્ડિનન્સો રદ થાય તો તમે સહકાર કરશો ?”
ગાંધીજીએ કહ્યું : “સહકારનો વિચાર કરવામાં પણ આ ઑર્ડિનન્સો અંતરાયરૂપ છે. એ અંતરાય ખસેડવામાં આવે અને અનુકૂળ વાતાવરણ મળે તો સહકારનો વિચાર કરું.”
પ્રશ્ન : “તમે ઑર્ડિનન્સને નિંદી કાઢો છો પણ તે પહેલાં એ પ્રાંતમાં જઈને પરિસ્થિતિ જોઈ આવો અને પછી તમારો અભિપ્રાય આપો તો ? ”
ગાંધીજી : “તમને ખબર નહીં હોય કે ત્રણ ત્રણ વેળા સરહદ પ્રાંતમાં જવાની મેં પરવાનગી માગી પણ હું તે મેળવી નથી શક્યો. એક વાર અર્વિન સાહેબની માગેલી અને બે વાર વિલિંગ્ડન સાહેબની માગેલી. હજી હું તો પ્રયત્ન