પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭
અદલ ન્યાય

દોલત એ નદીઓની માફક છે. નદી હમેશાં દરિયા તરફ એટલે નીચાણમાં જાય છે. તેમ દોલત પણ હમેશાં જ્યાં જરૂર હોય તેવી જગ્યાએ જવી જોઈએ એવો નિયમ છે. પણ જેમ નદીની ગતિમાં ફેરફાર થઈ શકે છે તેમ દોલતની ગતિમાં પણ ફેરફાર થઈ શકે છે. ઘણી નદીઓ જ્યાં ત્યાં વહે છે ને તેની આસપાસ ઘણું પાણી હોઈ ઝેરી હવા પેદા થાય છે. તે જ નદીઓને બંધ બાંધી તેનું પાણી જ્યાં જરૂર જણાય ત્યાં વહે તેમ કરવામાં આવે તો તે જ પાણી જમીનને રસાળ કરે છે ને આસપાસની હવા સુંદર કરે છે. તેમ જ દોલતનો ગમે તેમ ઉપયોગ થાય તો તેથી માણસોમાં દુષ્ટતા વધે, ભૂખમરો ચાલે ને ટૂંકામાં તે દોલત ઝેર સમાન ગણાય. પણ જો તે જ દોલતની ગતિને બાંધવામાં આવે, તેને નિયમસર વાપરવામાં આવે, તો બાંધેલી નદીની જેમ તે દોલત સુખાકારી નિપજાવે છે.

અર્થશાસ્ત્રીઓ દોલતની ગતિ રોકવાનો નિયમ તદ્દન ભૂલી જાય છે. તેઓનું શાસ્ત્ર તે માત્ર દોલત મેળવવાનું શાસ્ત્ર છે. પણ દોલત તો ઘણી રીતે મેળવાય છે. એક જમાનો એવો હતો કે જ્યારે યુરોપમાં લોકો પૈસાદારને ઝેર આપી તેનો પૈસો લઈ પોતે પૈસાદાર થતા. આ જમાનામાં ગરીબ લોકોને સારુ જે ખોરાક તૈયાર કરવામાં આવે છે તેમાં