પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
સર્વોદય

આવે છે કે આપણે સાધારણ રીતે તે કહી શકતા નથી. જેમકે જૂઠી જાહેરખબરો નાખવામાં આવે છે, વસ્તુઓની ઉપર માણસ ભોળવાય તેવાં નામ ચોંટાડવામાં આવે છે, વગેરે.

વળી તે ડાહ્યો માણસ કહે છે : 'જેઓ દોલત વધારવાને ખાતર ગરીબોને પીડે છે તે છેવટે ભીખ માગતા થશે.' વળી તે કહે છે : 'ગરીબોને સતાવો નહિ, કેમકે તેઓ ગરીબ છે. વેપારમાં પીડાયેલાની ઉપર જુલમ ન કરો, કેમકે જેઓ ગરીબને સતાવશે તેને ખુદા સતાવશે.' છતાં હાલ તો વેપારમાં મૂએલા ઉપર જ પાટુ મારવામાં આવે છે. જે માણસ ભીડમાં આવ્યો હોય તેનો લાભ લેવા આપણે તૈયાર થઈ જઈએ છીએ. ધાડપાડુઓ તવંગર ઉપર ધાડ પાડે છે. પણ વેપારમાં તો ગરીબોને લૂંટવામાં આવે છે.

વળી સૉલોમન કહે છે : 'તવંગર અને ગરીબ બન્ને સરખા છે. ખુદા તેઓનો પેદા કરનાર છે. ખુદા તેઓનો પેદા કરનાર છે. ખુદા તેઓને જ્ઞાન આપે છે.' તવંગરને ગરીબ વિના ચાલતું નથી. એકબીજાનો ખપ હમેશાં રહેલો છે. એટલે કોઈ કોઈને ઊંચોનીચો કહી શકે તેવું નથી. પણ જ્યારે આ બન્ને પોતાનું એકસરખાપણું ભૂલી જાય છે ને ખુદા તેઓને સમજ દેનારો છે એ વાતનું ભાન જતું રહે છે, ત્યારે વિપરીત પરિણામ આવે છે.