પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



૩.
અદલ ન્યાય


ઈસ્વી સન પૂર્વે કેટલાક સૈકા ઉપર એક યહૂદી વેપારી થઈ ગયો. તેનું નામ સૉલોમન હતું. તેણે ઘણો પૈસો મેળવ્યો હતો અને તે ઘણો પ્રખ્યાત થયો હતો. તેની કહેવતો આજ પણ યુરોપમાં ચાલી રહેલી છે. વેનીસના લોકો તેને એટલો ચહાતા કે તેઓએ વેનીસમાં તેનું બાવલું ઊભું કરેલું. જોકે એની કહેવતો આ જમાનામાં ગોખી રાખવામાં આવે છે, છતાં તે પ્રમાણે ચાલનારા બહુ થોડા આદમીઓ છે. તે કહે છે કે, 'જેઓ જૂઠું બોલીને પૈસો કમાય છે તેઓ મગરૂર છે ને તેઓના મોતની એ નિશાની છે.' વળી બીજી જ્ગ્યાએ તેણે કહ્યું છે કે, 'હરામખોરોની દોલત કંઈ ફાયદો કરતી નથી. સત્ય એ મોતમાંથી બચાવે છે.” આ બન્ને કહેવતોમાં સૉલોમને બતાવ્યું છે કે અન્યાયે મેળવેલી દોલતનું પરિણામ મોત છે. આ જમાનામાં જૂઠું અને અન્યાય એવી સરસ રીતે બોલવામાં તથા કરવામાં