પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
સર્વોદય

કરવાનું વચન આપવું જોઈએ. આમ દરેક મજૂરને વિષે સમજવું.

હવે જો મારી પાસે બે મજૂર આવે ને તેમાંથી એક જે ઓછું લે તેને હું કામે લગાડું તો પરિણામ એ આવશે કે, જેને મેં કામે લગાડ્યો તે અર્ધો ભૂખ્યો રહેશે ને રોજગાર વિના રહ્યો તે તો એમ જ રહેશે. જે મજૂરને હું રાખું તે મજૂરને બરોબર દહાડિયું આપું તોપણ બીજો મજૂર ધંધા વિના રહેશે. છતાં જેને મેં રાખ્યો છે તેને ભૂખે મરવાનું નહિ થાય. અને મેં મારા પૈસાનો વાજબી ઉપયોગ કર્યો ગણાશે. ખરેખરો ભૂખમરો જ્યારે દહાડિયું દેવામાં આવે ત્યારે જ દાખલ થાય છે. જો હું વાજબી મજૂરી આપું તો મારી પાસે નકામી દોલત એકઠી નહિ થાય, હું મોજમજામાં પૈસો નહિ વાપરું ને મારે હાથે ગરીબાઈ નહિ વધે. જેને હું વાજબી દામ આપીશ તે માણસ બીજાને વાજબી આપતાં શીખશે, ને એમ ન્યાયનો ઝરો સુકાઈ જવાને બદલે જેમ આગળ ચાલશે તેમ જોર લેશે. અને જે પ્રજામાં આ પ્રમાણે ન્યાયની બુદ્ધિ હશે તે પ્રજા સુખી થશે ને ઘટતી રીતે આબાદ થશે.

આ વિચાર પ્રમાણે અર્થશાસ્ત્રીઓ ખોટા પડે છે, તેઓ કહે છે કે જેમ હરીફાઈ વધે તેમ પ્રજા આબાદ થાય, હકીકતમાં આ વાત ભૂલભરેલી છે.