પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૦
સર્વોદય

દુનિયાના બધા ભાગ ઉપર નજર કરતાં જોઈ શકીશું કે સ્વરાજ્યને નામે ઓળખાતું રાજ્ય પ્રજાની આબાદાની કે સુખને સારુ બસ નથી. એક સહેલો દાખલો લઈને તે સહેજે જોઈ શકાશે. લૂંટારુઓની ટોળીમાં સ્વરાજ્ય હશે તો પરિણામ શું આવશે તે બધા જોઈ શકશે. તેઓની ઉપર તો કોઈ લૂંટારુ નહિ એવા માણસોનો કાબૂ હશે તો જ તેઓ છેવટે સુખી થશે. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લંડ એ બધાં મોટાં રાજ્યો છે. પણ તેઓ ખરાં સુખી છે એમ માનવાને કારણ નથી.

'સ્વરાજ્ય'નો ખરો અર્થ એ છે કે પોતાની ઉપર કાબૂ રાખતાં આવડવું. આમ તો તે જ માણસ કરી શકે જે પોતે નીતિ જાળવે છે; છેતરતો નથી; સત્ય છોડતો નથી; પોતાનાં માબાપ, પોતાની સ્ત્રી, પોતાનાં છોકરાં, પોતાના નોકર, પોતાના પડોશી, એ બધા તરફની ફરજ બજાવે છે. આ માણસ ગમે તે દેશમાં બેઠો સ્વરાજ્ય ભોગવે છે. જે પ્રજામાં એવા માણસો ઘણા હોય તેને સહેજે સ્વરાજ્ય છે.

એક પ્રજા બીજી ઉપર રાજ્ય ચલાવે તે સાધારણ રીતે ખોટું ગણાય. અંગ્રેજો આપણી ઉપર રાજ્ય કરે છે એ વિપરીત વાત છે, પણ અંગ્રેજો હિંદુસ્તાન છોડે તેથી હિન્દીએ કમાણી કરી એમ માનવાનું કારણ નથી.