પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
સારાંશ

તેઓ રાજ્ય કરે છે તેનું કારણ આપણે જ છીએ; તે કારણ આપણો કુસંપ, આપણી અનીતિ અને આપણું અજ્ઞાન એ છે. આ ત્રણ વસ્તુ દૂર થાય તો એક પાંખડી હલાવ્યા વિના અંગ્રેજો હિંદુસ્તાન છોડે એટલું જ નહિ, પણ આપણે ખરું સ્વરાજ્ય ભોગવતા થઈએ.

'બૉમ્બ' વછોડવાથી ઘણા ખુશી થતા જોવામાં આવે છે. આ માત્ર અજ્ઞાન અને અણસમજની નિશાની છે. બધા અંગ્રેજોને મારી શકાય તો જેઓ મારનારા છે તેઓ હિન્દુસ્તાનના ધણી થાય. એટલે હિન્દુસ્તાન રાંડીરાંડ રહે. અંગ્રેજને મારનારા બૉમ્બ અંગ્રેજ ગયા પછી હિન્દની ઉપર પડશે. ફ્રાન્સના પ્રજાસત્તાક રાજ્યના પ્રેસિડન્ટને મારનારો તે ફ્રેંચ જ હતો. અમેરિકાના પ્રેસિડન્ટ ક્લીવલૅન્ડને મારનાર તે અમેરિકન હતો. એટલે આપણને લાજમ છે કે ઉતાવળમાં વગર વિચારે પશ્ચિમની નકલ આંધળાપણે નથી કરવાની.

જેમ પાપકર્મથી - અંગ્રેજોને મારીને - ખરું સ્વરાજ્ય નહિ મેળવાય તેમ જ હિંદુસ્તાનમાં કારખાનાં ખોલવાથી પણ સ્વરાજ્ય નથી મળવાનું. સોનુંરૂપું એકઠું થશે તેથી કંઈ રાજ્ય નથી મળવાનું. આ વાત રસ્કિને આબેહૂબ સાબિત કરી આપી છે. યાદ રાખવાનું છે કે પશ્ચિમના સુધારાને માત્ર સો વર્ષ