પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
સર્વોદય

થયાં છે. ખરું જોતાં પચાસ ફ્ગણાય. તેટલામાં તો પશ્ચિમની પ્રજા વર્ણસંકર જેવી જોવામાં આવે છે. યુરોપની જુએ દશા છે તેવી હિંદુસ્તાનની કદી ન થજો એમ અમે માગીએ છીએ. યુરોપની પ્રજાઓ એક બીજાની ઉપર ટાંપીને બેઠી છે. માત્ર પોતાના દારૂગોળાની તૈયારીથી જ બધા ગુપચુપ છે. કોઈ વેળા જબરદસ્ત ભડકો થશે ત્યારે યુરોપમાં દોઝખ નજરે દેખાશે. યુરોપનું દરેક રાજ્ય કાળા માણસોને પોતાનો ભક્ષ ગણી બેસે છે. માત્ર પૈસાનો જ લોભ છે ત્યાં બીજું થવાનો સંભવ હોય નહિ. તેમને એક પણ મુલક જોવામાં આવે તો કાગડાની માફક તે મુલક ઉપર કૂદી પડે છે. આવું તેઓનાં કારખાનાંને લીધે છે એમ માનવાનાં કારણ છે.

છેવટમાં, હિન્દુસ્તાનને સ્વરાજ્ય મળો એ બધા હિન્દીનો અવાજ છે ને તે ખરો છે. પણ તે નીતિને રસ્તે મેળવવાનું છે. તે ખરું સ્વરાજ્ય હોવું જોઈએ. અને તે નાશ કરનારા ઇલાજોથી કે કારખાનાંઓ કરવાથી નહિ મળે. ઉદ્યમ જોઈએ, પણ તે ઉદ્યમ ખરે રસ્તે જોઈએ. હિન્દુસ્તાનની ભૂમિ તે એક વેળા સુવર્ણભૂમિ ગણાતી, કેમકે હિન્દી લોકો સુવર્ણરૂપે હતા. ભૂમિ તો તેની તે જ છે, પણ માણસો ફર્યાં છે એટલે તે ભૂમિ વેરાન જેવી થઈ ગઈ છે.