પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



પ્રસ્તાવના

પશ્ચિમના દેશમાં સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે વધારે માણસનું (મૅજોરિટીનું) સુખ — તેઓનો ઉદય — એ વધારવાનું માણસનું કામ છે. સુખ એટલે માત્ર શારીરિક સુખ, પૈસાટકાનું સુખ, એવો અર્થ કરવામાં આવે છે. એવું સુખ મેળવવામાં નીતિના નિયમોનો ભંગ થાય તેની ખાસ દરકાર કરવામાં આવતી નથી. તેમ જ વધારે માણસોનું સુખ જાળવવું એવો હેતુ રાખ્યો છે, તેથી જો થોડાને દુઃખ દઈને વધારેને સુખ અપાય તો તેમ કરવામાં હરકત છે એમ પશ્ચિમના લોકો માનતા નથી. એવું માનતા નથી તેનું પરિણામ આપણે પશ્ચિમના બધા મુલકોમાં જોઈએ છીએ.

વધારે માણસને શારીરિક અને પૈસાટકાનું સુખ હોય એ જ શોધવું એવો ખુદાઈ કાયદો નથી, અને જો તેટલું જ શોધવામાં આવે ને નીતિના નિયમોનો ભંગ થાય તો તે ખુદાઈ કાયદાથી વિરુદ્ધ છે, એવું કેટલાક પશ્ચિમના ડાહ્યા પુરુષોએ બતાવ્યું છે. તેમાં મરહૂમ જૉન રસ્કિન મુખ્ય હતો. તે અંગ્રેજ હતો, ઘણો જ વિદ્વાન માણસ હતો. તેણે હુન્નર, કળા, ચિત્રકામ વગેરે ઉપર સંખ્યાબંધ અને ઘણી