પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સર્વોદય

જરૂરનું છે. તેમાં સુખ છે. એવું જૉન રસ્કિને બતાવ્યું છે. તેણે પશ્ચિમના લોકોની આંખ ખોલી છે ને આજે તેના શિક્ષણના આધારે ઘણા ગોરાઓ પોતાનું વર્તન ચલાવે છે. તેના વિચારો હિન્દી પ્રજાને પણ ઉપયોગી થાય એવા હેતુથી, ઉપર કહી ગયા તે પુસ્તકમાંથી અંગ્રેજી નહિ જાણનારા હિન્દીઓ સમજી શકે તેવું તારણ આપવાનો અમે ઠરાવ કર્યો છે.

સૉક્રેટીસે માણસને શું કરવું ઘટે છે તેનું થોડુંક દર્શન કરાવ્યું. તેણે જેવું કહ્યું તેવું જ કર્યું. તેના વિચારોનું લંબાણ એ રસ્કિનના વિચારો છે એમ કહી શકાય છે. સૉક્રેટીસના વિચારો પ્રમાણે ચાલવા ઇચ્છનાર માણસે જુદા જુદા ધંધામાં કેમ વર્તવું જોઈએ તે રસ્કિને આબેહૂબ રીતે બતાવી આપ્યું છે. તેના લખાણનો અમે જે સાર આપીએ છીએ તે તરજુમો નથી. તરજુમો આપતાં, કેટલાક બાઈબલ વગેરેમાંથી આપેલા દાખલાઓ વાંચનાર ન સમજી શકે એવો સંભવ છે. તેથી અમે રસ્કિનના લખાણનો સાર આપ્યો છે. તે પુસ્તકના નામનો પણ અમે અર્થ નથી આપ્યો, કેમકે તે જેણે અંગ્રેજેમાં બાઈબલ વાંચ્યું હોય તે જ સમજી શકે. પણ પુસ્તક લખવાનો હેતુ સર્વનું કલ્યાણ — સર્વનો ઉદય (માત્ર વધારેનો નહિ) — એવો હોવાથી અમે આ લખાણને ‘સર્વોદય’ એવું નામ આપ્યું છે.