પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ : ૧
પ્રથમ આવૃત્તિના પ્રથમ અને અંતિમ પ્રકરણનો પાઠ
सासुवहुनी लडाई
પ્રકરણ ૧ લું,

ગુજરાતના એક નગરમાં સુમારે બસેં ઘરાં નાગર બ્રાહ્મણનાં હતાં. તેમના વાસ ઉપરથી એક શેરીને નાગરવાડો કહેતા. એમનાં કેટલાંક ઘર સોનીવાડામાં પણ હતાં. નાગરવાડામાં એ જ્ઞાતિનો વીરેશ્વર નામે બ્રાહ્મણ રહેતો હતો તેને ઘેર કન્યા અવતરી. મુખના રૂપાળા ઘાટપરથી તેનું નામ સુંદર પાડ્યું. શુકલ પક્ષનો ચંદ્ર જેમ દિવસે દિવસે વધે છે તેમ સુંદર મોટી થઈ. ચંદ્ર જેમ મોટો થતો જાય છે તેમ ખીલતો જાય છે તેમ તે ખીલતી ગઈ. એની ચામડીનો રંગ ગોરો હતો. માણસ જેને ખૂબસૂરતીનાં ચિન્હ ગણે છે તે સઘળાં નહીંતો ઘણાં ખરાં તેનામાં હતાં. છઠ્ઠે વરસે સીતળા આવ્યાં પણ તેથી એની કાન્તીને ખોડ ખાપણ આવી નહીં. સાતમે વરસે એનો વિવાહ કર્યો ને નવમે વરસે પરણાવી.

એ છોડીને દેવનગરી લીપીમાં વાંચતાં લખતાં આવડતું હતું. આદિત્યપાઠ (સંસ્કૃતમાં) મોઢે હતો. ગરબા અને ગીતો આવડતાં. એ એને એની માએ શિખવ્યું હતું. મા દીકરી કોઈ વાર ઘરમાં હીંચકે બેસી કાન ગોપીના કે માતાના ગરબા મીઠા સ્વરે ગાતાં ત્યારે પાડોશીઓ આનંદ પામતા, ને મધુર વાણી સાંભળનારા રસ્તે જનારા શોકીઓ બારણે ભેગા થઈ વખાણ કરતા. સુંદર બાળપણમાં ડાહી છોકરી ગણાતી. સ્વભાવે ઉદાર અને હીંમતવાન હતી. પોતાની પાસે કાંઈ ખાવાનું હોય તો મા ના કહે તથા ગાળો દે તોએ પોતાની સાથે રમવા આવેલી છોડીઓને થોડું થોડું આપી બાકી વધે તે પોતે ખાય. બીજાં છોકરાં જોયાં કરે ને પોતે કદી એકલી ખાય નહીં. સામી માને શિખામણ દે. દીકરી લાડકી હતી તેથી તેનું કહેવું મા બાપને ચરી પડતું. નાગરની છોકરી થઈ નાની વયથી પોતાનું ફુટડાપણું સાચવે, સવારમાં ઉઠી માથું હોળે નાહેધોય ને મલિન ન રહે ને ચોખાં વસ્ત્ર પહેરવાની ટેવ રાખે તેમાં કાંઈ નવાઈ નહીં. હતી તો ભીખારી બ્રાહ્મણની દીકરી પણ ખાવાની લાલચુ ને અકરાંતી નહોતી. કામ કરવું બહુ ગમતું હતું. કામકાજમાં સમજ પડે એટલું જ નહીં પણ જે સોંપ્યું હોય તેમાં પોતાની ચતુરાઈ લગાવી સારું કરવાને મહેનત કરે. અગીઆર વરસની ઉમ્મરે રસોઈ કરવામાં વખાણાતી. માની જોડે જજમાનમાં રાંધવા જાય ત્યાં ગોરાણીથી તેની દીકરી વધારે સરસ રાંધે છે એમ સહુ કહેતા. એનામાં જે અપલક્ષણ હતાં તેમાંનું એક એ હતું કે એને ઘરેણાં પહેરવાનો અધથી વધારે શોખ હતો. નવા નવા આભુષણ કરાવવાને માબાપને વારે વારે કહે, ને એક કરાવી આપે કે બીજુ માગે એનો પાર ક્યાં આવે ! પોતાનો બાપ ધનવાન લોકની બરોબરી કરી શકે નહીં માટે ઘરમાં કંકાસ કરે. કોયનું દીઠું કે તેવું પોતાને જોઈએ. વળી એને વાતો કરવાનો અને સાંભળવાનો અતીશે ચડસ હતો. કુથલી કરવા બેસે ત્યારે થાકેજ નહીં. તમાકુ (તંબાકુ) ખાવાનુ ગંદુ વ્યસન એને નાનપણથી પડ્યું હતું, ને છીકણી (તપખીર) પણ છાનામાના સુંઘતી.