લખાણ પર જાઓ

પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
પ્રકરણ ૧ લું

અમદાવાદ જીલ્લામાં મોડાસા કરીને નગરી હતી. હાલ પ્રાંતીજ પરગણામાં મોડાસા નામે મોટું ગામ છે તેજ એ નગર કે બીજું તે નક્કી કહી શકાતું નથી. મુસલમાની રાજ્યમાં તેમાં મામલતદાર રહેતો કેમકે તે ઘણું મોટું નગર હતું. ગામમાં ઉજળી વસ્તી બહુ હતી, ને વેપાર રોજગાર સારો હતો. સુમારે પચાસ ઘર વડનગરા નાગર બ્રાહ્મણનાં હતાં. તેમના વાસ ઉપરથી એક શેરીને નાગરવાડો કહેતા. એમનાં કેટલાંક ઘર સોનીવાડામાં પણ હતાં. નાગરવાડામાં એ જ્ઞાતિનો વીરેશ્વર નામે બ્રાહ્મણ રહેતો હતો. એને ઘેર સંવત ૧૭૫૯માં એક કન્યા અવતરી. મુખના રૂપાળા ઘાટપરથી તેનું નામ સુંદર પાડ્યું. શુકલપક્ષનો ચંદ્ર જેમ દિવસે દિવસે વધે છે તેમ સુંદર મોટી થઈ. ચંદ્ર જેમ મોટો થતો જાય છે તેમ ખીલતો જાય છે તેમ ખીલતી ગઈ. એની ચામડીનો રંગ ગોરો હતો. માણસ જેને ખૂબ સુરતીનાં ચિન્હ ગણે છે તે સઘળાં નહીં તો ઘણાંખરાં તેનામાં હતાં. છઠ્ઠે વરસે સીતળા આવ્યા પણ તેથી એની કાન્તીને ખોડ ખાપણ આવી નહીં. સાતમે વરસે એનો વિવાહ કર્યો, ને નવમે વરસે પરણાવી.

એ છોડીને દેવનાગરી લીપીમાં વાંચતાં લખતાં આવડતું હતું. આદિત્યપાઠ (સંસ્કૃતમાં) મોઢે હતો. ગરબા અને ગીતો આવડતાં. એ એને એની માએ શિખવ્યું હતું. મા દીકરી કોઈ વાર ઘરમાં હીંચકે બેસી કાન ગોપીના કે માતાના ગરબા મીઠા સ્વરે ગાતાં ત્યારે પાડોશીઓ આનંદ પામતા, ને મધુર વાણી સાંભળનારા રસ્તે જનારા શોકીઓ બારણે ભેગા થઈ વખાણ કરતા. સુંદર બાળપણમાં ડાહી છોકરી ગણાતી. સ્વભાવે ઉદાર અને હીંમતવાન હતી. પોતાની પાસે કાંઈ ખાવાનું હોય તો મા ના કહે તથા ગાળો દે તોએ પોતાની સાથે રમવા આવેલી છોડીઓને થોડું થોડું આપી બાકી વધે તે પોતે ખાય. બીજાં છોકરાં જોયાં કરે ને પોતે કદી એકલી ખાય નહીં. સામી માને શિખામણ દે. દીકરી લાડકી હતી તેથી તેનું કહેવું મા બાપને ચરી પડતું. નાગરની છોકરી થઈ નાની વયથી પોતાનું ફુટડાપણું સાચવે, સવારમાં ઉઠી માથું હોળે, નાહેધોય ને મલિન ન રહે ને ચોખા વસ્ત્ર પહેરવાની ટેવ રાખે તેમાં કાંઈ નવાઈ નહીં. હતી તો ભીખારી બ્રાહ્મણની દીકરી