પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૧૧ મું

ચંદાગવરીએ ફકીરની કીર્તિ બહુ સાંભળી હતી. ઘણાને મોહોડે એણે સાંભળ્યું હતું કે એનું તીર તાક્યું લાગે છે. જેની કોઈને આશા નહીં એવી એક સ્ત્રીને સીમંત આણી આપ્યું છે, ગામે ગામ જ્યાં ગયો ત્યાં એણે વાંઝીઆને ઘેર પારણા બંધાવ્યાં છે, ને બીજા કાંઈ કાંઈ અચંબા કર્યા છે. માટે તેની કને ગયાનું મન તો બહુ, ને ધણી વચમાં આડો પડ્યો. કેટલાક વખત સુધી તો છાનુ જ્યાં કીધું. એક બે વાર સુંદરને પણ જોડે લઈ ગઈ. ફકીર સુંદરને કહે હું તારા વરને તારે વસ કરી આપું. અહીંથી પાંચ ગાઉપર જમલાપીરનું થાનક છે ત્યાં મારી જોડે આવો તો તમારું કામ થાય, એક દિવસનું કામ છે, બપોરે જઈએ તો સાંજે પાછા અવાય.

જેઠાણી દેરાણી વિચાર કરવા લાગ્યાં કે એ કેમ થાય. ચંદા કહે હું મારામાં ભૂત આણી ધુણું ને મારા વરને રેવાજી નારાયણબળી સારવા કાઢું. સુંદર કહે મને તો એવા ફતવા કરતાં નથી આવડતા. તમારું કામ પહેલાં કરો ને પછી મારૂં ગરીબનું થઈ રહેશે. ચંદા કહે તમે માતા ધુણાવો. સુંદર કહે ના, બળ્યું મને રાંડને એ ન આવડે.

બે ત્રણ દિવસ ન ગયા એટલામાં ચંદાગવરીને ભૂત આવ્યું. આ વેળા એવું જબરું ભૂત આવ્યું કે આગળ કદી એવું આવ્યું નહતું. ચોટલો છુટો મુક્યો, જીણી ચુનાની ગોળી વતી ડોળા લાલચોળ કર્યા, ને ધુણવા મંડી. વીજીઆનંદ ભુવાને બોલાવી લાવ્યો. ભુવો આવી જેવો એની પથારી આગળ બેઠો કે એક તમાચો વરને ને એક ભુવાને જોરથી ચોડ્યો. એ ભુવાથી કાંઈ વળ્યું નહીં, ને બીજા બે આવ્યા તે પણ ડાંખલા વગાડી થાક્યા ને વ્યર્થ મહેનત કરી પાછા ગયા. છેલ્લે ભૂતને વાચા થઈ કે તમે એ સઘળી તસદી મને મિથ્યા આપો છો. વીજીઆનંદ રેવાજી જઈ નારાયણબળી સારે તો મારો મોક્ષ થાય; પછી હરવરસે એક ત્રિપંડી રસાવજો ને પાંચ બ્રાહ્મણ જમાડજો. આ કબુલ કરો તો હું જાઉં. હું ચંદાની વડસાસુ છું. ચંદાની મા ને સાસુ બને તેને પગે લાગ્યાં ને માગી લીધું કે જાઓ માજી એ પ્રમાણે કરાવીશું. સાસુ કહે આ હાથમાં જળ લઈ હું નિયમ લઉં છું કે મારો વીજીઆનંદ રેવાજી જઈ સારીને આવશે ત્યાર કેડે હું દુધ ખાઈશ.

ભૂત તો ગયું. પણ વીજીઆનંદે એવી જુગતી લડાવી કે જવું તો વહુને