પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦
સાઠીનૂં વાઙ્ગમય.

 પ્રોફેસર હર્મન જેકોબી પાસે પાઠ શુદ્ધ કરાવી એ પ્રકટ કર્યું છે. એ શિવાય શ્રાદ્ધવિધિ, ( શ્રાવકના આચાર ), અર્હન્તનીતિ શ્રાવકપ્રજ્ઞપ્તિ સોમસોભાગ્યકાવ્ય પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પ્રતિક્રમણ આદિ ક્રિયાવિધિના ગ્રંથો તો જૈનોમાં ઘણાએ પ્રસિદ્ધ થયા છે.

શ્રી સોમ સોભાગ્ય કાવ્ય—આ ગ્રંથ કાવ્ય રૂપે ચરિત્રનો ગ્રંથ છે શ્રી પ્રતિષ્ઠા સોમ નામના જૈન સાધુએ સંવત ૧૫૨૪ માં તપગચ્છના અધિપતિ શ્રી સોમ સુંદર સૂરિનું ચરિત્ર આ ગ્રંથમાં વર્ણવ્યું છે. શ્રી સોમસુંદર સૂરિ તપગચ્છની ગાદિએ સંવત ૧૪૫૮ ના અરસામાં આવ્યા તે સંવત ૧૪૯૯ સુધી તેમના કાળ સુધી રહ્યા. જૈન સાધુઓનું વ્યવહાર બંધારણ એવું છે કે તેમાં એક મુખ્ય નાયક જ્ઞાન તથા ગુણ જોઈને બહુ મતિથી નીમવામાં આવે છે અને બાકીના સાધુઓ તેમના હાથ નીચે તેમના હુકમ નીચે દરેક કાર્યમાં વર્તે છે તે એટલે સુધી કે એક ગામથી બીજે ગામ જવું હોય તોપણ આચાર્યની પરવાનગી લેઈનેજ. શ્રાવકો પણ આચાર્યની લેખિત પરવાનગી સીવાય તેમને ગામ આવનાર સાધુનો આદર સત્કાર કરતા નહી તેમ સાધુ તેવી પરવાનગી વીના વિહાર કરતા નહી. આવી ઉત્તમ વ્યવસ્થાને લીધે સાધુઓ કાબુમાં રહી ધર્મ ફરમાન મુજબ વર્તતા તથા શ્રાવકોનું સાધુઓ તરફ બહુ માન રહેતું એટલું જ નહી પણુ જૈન સાધુઓનો સખ્ત ત્યાગ છતા જ્ઞાન તથા આહાર કપડાદિક મેળવવાના સાધનો તેમને ઘણીજ સહેલાઈથી મળતા અને ત્યાગવૃતિ કાયમ રાખવામાં તેમને કોઈ જાતની અડચણ પડતી નહી. દીલગીરીની વાત છે કે આવું ઉત્તમ બંધારણ આ કાળમાં કુસંપને લીધે અવ્યવસ્થિત થઈ ગયું છે તે આગળની સ્થીતિએ લાવવાનો પ્રયત્ન કરવાની સાધુ તથા શ્રાવકોની પવિત્ર ફરજ છે. તેવા બંધારણના અભાવે હજુ પણ સ્થીતિ ખરાબ થશે એમ જણાય છે.

હાલ જેમ પદ્વીઓ યુનિવરસીટી તરફથી અપાય છે તેમ જૈન સાધુઓને તેમના અભ્યાસનુસાર ઘણી ધામધુમથી ગચ્છપતિના હાથે પદ્વીઓ અપાય છે અને તેનો ક્રમ આ ગ્રંથ ઉપરથી નીચે મુજબ દેખાય છે.