પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
સાહિત્ય.

બીજાં નાટકો લખ્યાં છે. કુલ અગીઆર નાટકો એમનાં રચેલાં કહેવાય છે, પરંતુ તે કિયાં કિયાં છે એની કોઈને ખબર નથી. ઉપર કહેલાં ત્રણ નાટકો મળી આવ્યાં તે પહેલાં એ નાટકોની હયાતી વિશે–અરે પ્રેમાનંદે નાટકો લખ્યાં છે એ વિશે પણ કોઈને ખબર નહોતી.

મહાન્ કવિ શેક્સપિયરનાં નાટકો એનાં પોતાનાં લખેલાં નથી પણ ખોટે નામે લોર્ડ બેકનનાં લખેલાં છે એવું કહેનારો એક પક્ષ ઈંગ્લંડમાં થયો હતો તેજ પ્રમાણે જાણીતા વિદ્વાન્ રા. નરસિંહરાવ દીવેટીઆએ આ નાટકો પ્રેમાનંદનાં નથી પણ બીજા કોઈએ બનાવીને એમને નામે ચલાવવાનું તૂત કર્યું છે એવો પૂર્વ પક્ષ ઉઠાવ્યો છે. પ્રાચીન કાવ્યમાળાવાળા ગૃહસ્થોનો, એમાં હાથ હોય, કિંવા એઓ પોતેજ બીજા કોઈથી એ બાબતમાં ઠગાયા હોય. આ નાટકો ક્યાંથી અને કેવી રીતે મળ્યાં છે અને બાકીનાં સંબંધી કશી પણ હકીકત ગુજરાતી પ્રજાની સમક્ષ મુકાઇ નથી. મુખ્ય ગૃહસ્થ રા. બા. હરગોવંદદાસજી સુભાગ્યે બધી ખબર આપી શકે એમ છતાં ઘણી વખત ખૂલ્લા આક્ષેપો કર્યા છતાં પણ એ વિદ્વાન એ બાબત મૌન્યજ ધારણ કરી રહ્યા છે એ લગિર અજાયબ જેવું છે ! માત્ર એક જ વ્યક્તિ–નાથાશંકર પુંજાશંકરના અવસાનથી આ બધી હકીકત અને બાકીનાં નાટકોનું પણ અવસાન થયું એ લગીર શંકાજનક છે. અમે આ પક્ષના ખંડનમંડનમાં માથું ન મારતાં રા. દીવેટીઆ કેવો પૂર્વ પક્ષ ઉઠાવે છે તે જોવા અમારા વાંચનારાઓને સૂચના કરીએ છઈએ. એ વિદ્વાન્‌નું કહેવું કેવું અને કેટલું વજુદવાળું છે તેનો નિર્ણય કરવો અત્રે અમારા દેશની બહાર છે.

ગૂજરાતી પ્રાચીન સાહિત્યમાં તો સમ ખાવાને કાજે પણ એક્કે નાટક મળતું નથી. પ્રેમાનંદની કવિતાએ ગુજરાતમાં ચોતરફ દિગ્વિજય કર્યો છે; સુરત તરફ ‘મામેરા’ એ પોતાનો ડંકો વગડાવ્યો છે; ‘ઓખાહરણે’ પોતાની મોહની સર્વત્ર પાથરી દીધી છે; છતાં તેમનાં નાટકનું નામ અગર અસ્તિત્વ ધરાધરી કોઈને ખબર નથી ! આમ હોવાથી ગુજરાતી અર્વાચીન સાહિત્યમાં પ્રેમાનંદનાં નાટકોની કશી અસર જણાતી નથી; એ નાટકોનાં અનુસરણ અગર એમની ધાટી ઉપર બીજાં નાટકો થયાં નથી. ગુજરાતીમાં નાટકનું