પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
130
સત્યની શોધમાં
 

શેઠ પેસ્તનજીને પૂછજે. પૂછજે કે શે’રને પાણી પૂરું પાડવાનો કન્ટ્રાક્ટ હરિવલ્લભની કંપનીને કેવી રીતે મળ્યો છે સુધરાઈ પાસેથી ?”

“કેવી રીતે ?”

“તે એ તને કહેશે. બીજી એક કંપની ઊભી થઈ’તી – અરધે દરે પાણી આપવા. એટલે હરિવલ્લભે સુધરાઈના આઠ જણને બબ્બે હજાર ચાંપીને ઝાઝે મતે દરખાસ્ત ઉડાવી દેવરાવી. હવે બસ, લહેરથી બેઠો બેઠો લોકોનાં બમણાં નાણાં પડાવી મહિને મહિને દસ હજાર રળે છે. એ તારો પરગજુ ને ધરમી પેટ્રન !”

“હું ધર્મપાલજી કને જાઉં છું. એ નહીં જ જાણતા હોય. એને હું જણાવીશ. એ અધર્મીઓને ત્યાંથી કઢાવ્યે રહીશ.”

“જા, પૂછજે. પછી મને જણાવજે.”


20
જ્વાળામુખી

“કહો એને, કે હું જમું છું. બેસારો બેઠકમાં.”

જમીને ધર્મપાલજી બેઠકમાં ગયા. મોં પર વેદના લઈને શામળ બેઠો હતો. ધર્મપાલે પૂછ્યું : “કેમ, વળી આજે શું છે ?”

“ઓહ, ધર્મપાલજી ! આજે તો મને ભયાનક સત્ય જડ્યું છે. મને ખબર નથી પડતી કે કયા સ્વરૂપે હું તમારી કને એ વાત કરું. મારા ઉત્સાહના વેગમાં ને વેગમાં હું આજે એક પાપી માણસને પિગાળીને આપણા સમાજમાં ભેળવવા ગયો હતો; ત્યાં તો સાહેબ, એણે મારી હાંસી કરી; એટલું જ નહીં પણ આપણી ધર્મસંસ્થાને પણ ઠેકડીએ ઉડાવી. કહે કે તારા વિશ્વબંધુસમાજમાં કંઈક મહાપાપીઓ પડ્યા છે. એણે તો નામઠામ પણ આપ્યાં. આવું હોય એની આપને જાણ છે ?