પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફારગતી
7
 

ભાવ ગગડી જશે તો શું થશે ? આખી રાત બેસીને બાપદીકરાઓએ મસલત કરી. એક જણે નવીનાબાદ પહોંચીને ચોકસી કરવી એમ ઠર્યું. ત્યાં તો વળતી જ સવારે એજન્ટોનો કાગળ આવ્યો કે લક્ષ્મીનંદન શેઠ એકાએક બીમારીથી ગુજરી ગયા છે, કાચનું કારખાનું બંધ થયું છે.અને શૅરો નાદારીમાં ગયા છે. મોટો છોકરો હાથની બાંયો ચડાવીને ઊભો થયો; સાળા એજન્ટનું ગળું જ પીસી નાખું. બાપે એજન્ટને ઠપકાનો કાગળ લખ્યો. વિવેકભર્યો જવાબ મળ્યો કે શું કરીએ શેઠજી ! બજારની અચોક્કસતા વિશે તો અમે તમને પહેલેથી જ ચેતાવેલા હતા. એ તો તમને યાદ હશે કે અમે તમને આખી વાતના જોખમની હકીકત પ્રથમથી જ ખુલ્લેખુલ્લી સમજાવી હતી.

બાપને આવું કશું જ યાદ નહોતું. એની આખી પૂંજી ફના થઈ ગઈ. એક અઠવાડિયામાં તો એની ઉમર દસ વર્ષ વધી ગઈ હોય એવા એ બની ગયા. એને દમ લાગુ પડ્યો. એ પથારીવશ બન્યો ને ન્યુમોનિયામાં સપડાઈને પરલોક સંચર્યો. એની ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી શામળે ભાઈઓને ભેગા કરીને કહ્યું : “હવે આ ખેતરવાડી અને હાટડીનો વેપાર આપણને ત્રણને નહીં નિભાવી શકે. વળી મોટા ભાઈના તો વિવાહ પણ ઓણની સાલમાં કરવા જ પડશે. માટે હું દેશાવર રળવા જાઉ. હું નવીનાબાદમાં ધંધો કરીશ.”

“પણ તું ત્યાં શું કરીશ ?”

“જે કાંઈ બનશે તે. મારાં કાંડાંબાવડાં સાબૂત છે.”

“એ ઠીક છે.” મોટા ભાઈને વાત ગમી.

“ફક્ત મને ધંધે ચડતાં પહેલાં થોડી ખરચીની જરૂર રહેશે.”

“એ જ આફત છે ને !” મોટા ભાઈએ માથું ખંજવાળ્યું.

“કેટલા જોશે ?” વચેટે પૂછ્યું.

“ફક્ત ક્યાંયે રઝળી ન પડું એટલા; એકસો બસ છે.”

“ઓ બાપ ! એકસો કોણ આપે ?”

“આપણાં ખેતરમાંથી મારો ત્રીજો ભાગ વેચી નાખીએ".