પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિમાના ટુકડા
159
 

ચેતાવ્યા. ઘણા દિવસ વિચારો કર્યા પછી એક દિવસ આકાશને ઉંબરે ઉષા અને અરુણ જે વેળા પહેલવહેલા સાથિયા પૂરતાં હતાં તે વેળા ઊઠીને શામળ ફરવા નીકળી પડ્યો.

એનાં સાહસોની આ તમામ ઘૂમાઘૂમ વચ્ચે વિનોદિની પ્રત્યેના પ્રેમાવેશના તાંતણા નિરંતર વણાયે જ ગયા હતા. એના અંતઃકરણમાં બીજાં તમામ તોફાનો વચ્ચે પણ પ્રીતિનું પારેવું ઘૂઘવતું ઘૂઘવતું માળો નાખી રહ્યું હતું. શામળને કશી જ સમજ નહોતી પડતી કે આ ઉકળાટ શી રીતે શમાવવો. અગાઉ એણે કદી પણ કોઈ સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો. પણ એક વાર એ સ્પર્શ થતાં જ અરણીના કાષ્ઠના ઘર્ષણમાંથી જાગે તેવી જ્વાળા જાગી ઊઠી હતી. સૂતેલી લાગણીઓ સળવળી રહી હતી; પ્રાણનાં અતલ ઊંડાં પડો વચ્ચેથી અણધાર્યા ધસી આવતા ધોધમાં એ ખેંચાયે જતો હતો. તલસાટ અને ગભરાટનો એ ભોગ બન્યો હતો. ઘડી ઘડી ઉન્માદની લહરીઓ ચડે છે. ચકચૂર કોઈ નાવિકની નૌકા જાણે સુખના હીંચોળા ખાય છે, ને વળતી જ ક્ષણે પાછી જાણે એ હોડી ગમગીનીના ઊંડા ગર્તમાં ગરક બને છે. વિનોદિનીને મળવાના તલસાટ રોક્યા રોકાતા નથી, પણ એનો રસ્તો રૂંધીને લજ્જા ઊભી છે, જાહેર જીવનનો સંગ્રામ ઊભો છે. આ બધી રિબામણી શાને માટે ? નથી સમજાતું.

જો માત્ર પ્રેમમાં પડવા પૂરતો જ આ મામલો હોત તો તો બસ હતું; બે કિનારા વચ્ચે થઈને એ પ્રવાહ વહ્યા કરત. પરંતુ આ તો હતી વિનોદિની સમી વ્યક્તિની પ્રેમપ્રાપ્તિ; જેનો જોટો ન મળે, જેની જ્વાળા ન ઝિલાય, જેની કલ્પના કરતાં પણ તમ્મર આવે. એવી એક સુંદરીના અનુરાગમાં રંગાવું એટલે શું ! એ પ્રચંડ પૂર પાળો ભેદતું ચાલ્યું છે. જીવન મૂર્છિત બની પડ્યું છે.

સડક ઉપર ત્રણચાર કલાક ટહેલ્યા કરીને પછી અગિયાર વાગ્યે એ પોતાની સ્નેહ-રાણી પાસે પહોંચ્યો. ઉત્સુકતા અને કુતૂહલથી ઝલક મારતે મોંએ એ આવી પહોંચી. મરક મરક થાતે મુખડે એણે કહ્યું : “કાં,