પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
182
સત્યની શોધમાં
 27
સમજાયું

બીજા દિવસની પ્રભાતે એક નવીન જ અનુભવ શામળની વાટ જોતો હતો. હાથમાં ચામડાની સુંદર બૅગ અને ગજવામાં એક પેનસિલ. એક લીલી ને એક લાલ એમ બે ફાઉન્ટન પેનો, એવા સાજમાં શોભતો એક તરવરિયો જુવાન હાજર થયો. એણે શરૂ કર્યું. “શામળભાઈ, હું ‘લક્ષ્મીનગર સમાચાર’ છાપાનો પ્રતિનિધિ છું. તમારી કનેથી એ આખી વાર્તા લેવા આવ્યો છું.”

“વાર્તા ?”

“એટલે કે તમે જે ભાષણ આપવાના છો, તેને લગતો આખો ઇતિહાસ; અમારે એ સુંદર આકર્ષક રીતે છાપી પ્રગટ કરવો છે.”

નવીન જ રોમાંચ અનુભવતા શામળે જ્યારે આખી કથા અથઇતિ કહી નાખી, ત્યારે એ જુવાન ‘રિપોર્ટર’ની પેનસિલનું મનોરમ ચપળ નૃત્ય પૂરું થયું. “સાહેબજી, થેન્કયુ !” કહીને રિપોર્ટર આખી વાર્તાને બૅગમાં નાખી ચાલતો થયો.

એકદમ શામળ હજારીલાલજીની કને પહોંચ્યો. પોતાના જીવનના આ ભારી યશસ્વી પ્રસંગની વાત કહી; કહ્યું કે, “હવે વિજ્ઞપ્તિ-પત્રોનું તો શું કામ છે ? છાપું ઘેર ઘેર વંચાશે. સહુને ખબર મળી જશે.”

“વારુ !” વકીલે સ્મિત કર્યું, “છાપી તો રાખીએ. પછી આજે સાંજે ‘લક્ષ્મીનગર સમાચાર’ જોઈને નક્કી કરીશું કે વહેંચવાં કે નહીં.”

શામળ ઘેર ગયો. એને વિચાર થયો કે હજારીલાલજીને કેમ જરીકે આ વાતથી હર્ષ ન થયો ? એના મનમાં શું હશે ?

બપોરે બારણું ખખડ્યું. શામળ જુએ છે તો ભીમાભાઈ ! “ઓહો, આવો આવો, ભીમાભાઈ !”

“કાં શામળભાઈ ! તમે તો મોટું ભાષણ ઠોકવાના છો ?”

“તમને ક્યાંથી ખબર ?”