પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂખ્યો છું
19
 

ચૂનાનાં બુલંદ મકાનો, ટ્રામો, બંબાખાનાં ને એવું તો કંઈ કંઈ દીઠું. સેંકડો વીઘાં જમીનને રોકી લઈ ઊભેલાં ગગનચુંબી ભૂંગળાં; કારખાનાં, મજૂરોની ચાલીઓ; માયકાંગલાં, ચીભડાં જેવા પીળાંપચ છોકરાં; હાડપિંજર જેવી સ્ત્રીઓ, સર્વત્ર કાળા ધુમાડાથી રંગાયેલ આ દુર્ગંધ મારતી દુનિયા ! હવામાં ઉકળાટ, બફારો, શેક ચાલી રહેલ છે. આખા નગરને જાણે ન્યુમોનિયાનો તાવ લાગુ પડ્યો છે !

જંગી જંગી પુલ વટાવી, નદી પાર કરી, એ આગળ ચાલ્યો. ત્યાં તો સાંકડા રસ્તા પહોળા થયા. લીલાંછમ ઝાડોની હારોની હાર આવી. બાગબગીચાની શીળી બાથમાં ઊભેલા નાનામોટા રૂપાળા બંગલા આવ્યા. એની બારીઓમાં નદીના વાયુની લહરે લહરે મોતીનાં તોરણ-પડદા ઝંકાર કરી ઝૂલી રહેલ છે. ફુવારા પર ગોઠવેલી પથ્થરની પરીઓ પાણીની કરામતભરી બારીક વૃષ્ટિ ઉરાડે છે. ફૂલો અને ફૂલ સમોવડ માનવ-મુખડાં ડોકાય છે. જોતાં જોતાં શામળ ભૂખનું દુઃખ વીસર્યો. આંખો એ સુખી લોકોનાં ધામ દેખી ઠરવા લાગી. પોતાને માટે આંહીં ક્યાંઈક વિશ્રામ પડ્યો હશે ! એમ કરતાં એ એક દરવાજા પર પહોંચ્યો. બહાર નામ લખેલું ભૂખ્યો છું ‘નંદન-વન’. અંદર નજર પહોંચી ત્યાં સુધી ભાતભાતનાં હરિયાળાં વૃક્ષો, ગાલીચા સરખાં લીલાં ‘લૉન’. કળા પૂરીને ચરતાં મોરલા-ઢેલડીઓ, કુંડોમાં તરતાં હંસો-બતકો, મેંદી કાતરતા માળીઓ, પાણી છાંટતા ઝારીવાળાઓ વગેરે અલૌકિક રમણીયતા દીઠી. વચ્ચે વાદળઊંચા થાંભલાવાળી હવાઈ મહેલાત દેખી. અંદર પેઠો ત્યાં તો ફૂલઝાડોને પંપાળતો પંપાળતો એક આદમી દોટ દઈને એની પાસે આવ્યો, પૂછ્યું : “આમ ક્યાં જાય છે તું ?”

“આંહીં કશો કામધંધો હોય તો હું માગવા આવ્યો છું.”

“માથાની ખોપરીનાં કાચલાં જ ઉડાડી નાખીશને ! પૂછ્યાગાછ્યા વગર અંદર દોડ્યો આવે છે તે !”

“પણ વાંધો શો છે, ભાઈ ?” શામળે આભા બનીને પૂછ્યું.

“હવે બહાર નીકળ બહાર, વેરાગીરામ !”