પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
34
સત્યની શોધમાં
 

સારુ પણ ત્રણ દિવસનો મફત રોટલો નહોતો. પણ તેજુની બાએ એક કામ બતાવ્યું. ઘરની પછવાડે નાનો-શો વાડો હતો. એ ખોદીને ત્યાં રીંગણી, ભીંડો અને કારેલાંના વેલા રોપવાનું કામ શામળને સોંપ્યું. ચોમાસું ઉપર આવતું હતું એટલે તેજુની માને એમાંથી બે પૈસા રળવાની આશા હતી. શામળને તો પોતાની ભુજાઓને ઉદ્યમ મળે અને પેટને ઉદ્યમનો રળેલો રોટલો મળે, એટલે જાણે કે જગતનું રાજ મળ્યું હોય તેવી મગરૂબીનો કેફ ચડતો. જેનાં કાંડાંબાવડાંમાં દૈવત છે, ને તે પરસેવાનો રોટલો રળવાની ખરી દાનત છે, એને જગત ભૂખ્યો ન જ સુવાડે, આવી એની આસ્થા હતી. પગલે પગલે નડતી સંકડામણોની વચ્ચે જ્યારે એ પોતાનો માર્ગ જોતો, ત્યારે એની આસ્થામાં બસ નવું દિવેલ પુરાયે જતું.

સાંજે-સવારે તેજુ શામળને ઉઘાડે બદને કોદાળી-પાવડા અને તીકમ લઈ મહેનત કરતો નિહાળતી, ત્યારે એને ત્યાંથી ખસવાનું મન નહોતું થતું. જુવાન ગામડિયાના દેહમાં કોદાળીને પ્રહારે પ્રહારે ચણોઠી જેવું રુધિર છોળો લેતું હતું.

કોઈ સારા સલાટે કંડારેલ પૂતળા જેવા એ દેહને જોઈ જોઈ તેની મા છાનો નિસાસો નાખીને બોલતી કે, “અરે માડી ! તેજુના બાપની કાયાયે આવી જ હતી ના ! પણ ભુક્કા થઈ ગયા. આ બાપડાનીય એ જ વલે થાવી લખી હશેના !”

*

ત્રણ દિવસ પછી જ્યારે શામળ ફરી વાર ત્યાં ગયો, ત્યારે પ્રો. ચંદ્રશેખર જમતા હતા. શામળે એમનું આપેલું કાર્ડ અંદર મોકલ્યું. પ્રોફેસરે નોકરને કહ્યું : “એને મારી લાઈબ્રેરીવાળા ઓરડામાં બેસાડ.”

શામળને પણ જમવાનો સમય થયેલો છે, એ વાત શામળ સિવાય કોઈને સૂઝી નહીં.

લાઇબ્રેરી-રૂમની બાજુમાં જ ટ્રંકો, પેટીઓ, કપડાંલત્તાં ઈત્યાદિનો ખંડ હતો. પ્રોફેસરનાં પત્નીએ નોકરને કહ્યું કે, “એ બે ઓરડા વચ્ચેનું