પૃષ્ઠ:Savita-Sundari.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪

તેમાં વળી ગુણવંતગવરી જેવી, પોતાની એકની એક કન્યાને, આવા કુરૂપડા, ઘરડા, પલીયેલ, ભીખારડાને કેમ સમર્પણ કરે? નહીંજ કરે.

આવા વિચારમાં ગુંથાઈ ગયેલી ગુણવંતગવરી સુંદરીના ઓરડામાં આવી; તેમાં જ્યારે તેણીએ પોતાની દિકરીને ચોધારે રડતા જોઈ, ત્યારે તો તેનું કાળજું ફડકવા લાગ્યું. સુંદરી પાસે જતાંજ મા દિકરી સારી પેઠે રડી પડ્યાં; ને સાથે મોતીગવરી પણ રડી.

પછી ગુણવંતગવરી બોલી, “બેહન, રડ ના, તારા નસીબમાં જે લખ્યું હશે તે કોણ મિથ્યા કરી શકે તેમ છે ? ”

સુંદરી–માડી, તું પણ શું એમજ કહે છે કે ? રે નસીબ નસીબનું શું કરે છે ? મારું નસીબ તો રૂડું છે, પણ તું હાથે કરીને ભુડું કરશે તો તેમાં હું કોનો દોષ કાઢું ? જ્યારે વાડ થઇને ચીભડા ગળશે તો પછી સેાંઘી વસ્તુ ક્યાંથી મળશે?

ગુણવંતગવરી-પણ હવે હું શું કરું ?

સુંદરી-મારા ગળા પર છરી ફેરવ એટલે બસ.