પૃષ્ઠ:Shobhana.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૧૯
 


‘ના, હવે કાંઈ થતું નથી. હવે તો માત્ર એક બીક લાગ્યા કરે છે કે હું ઝેર પી ગયો હોત તો ? મૃત્યુને ભેટવાનો નિશ્ચય કરનાર અર્ધા પોણા કલાકમાં મૃત્યુથી કમકમી ઊઠે છે ! આપણે એક ક્ષણે વીર બનીએ છીએ અને બીજી ક્ષણે કાયર...' ડૉક્ટરે કહ્યું. તેનાથી બોલાઈ જતું હોય એમ લાગ્યું. પરાશરે તેને અટકાવી પૂછ્યું :

‘પણ આનું કાંઈ કારણ ?’

‘તારો કાગળ બરાબર વાંચ, કારણ સમજાશે.'

‘મારે એ કાગળ વાંચવો જ નથી. મારાથી નહિ વંચાય.'

‘બે વર્ષથી હું અહીં પ્રેક્ટિસ કરું છું, ખરું ને ?’

'હા.'

‘એ બે વર્ષમાં સહુથી પહેલો કેસ તું જ હમણાં કલાક ઉપર લાવ્યો તે. હું ઝેર ન પીઉં તો બીજું શું કરું ?’ ડૉક્ટર કુમારના ઉશ્કેરાયલા મુખ ઉપર વ્યગ્રતા દેખાઈ આવી. હિંદમાં હવે બેકારી, મશ્કરી, હાસ્ય કે ઉપેક્ષાનો વિષય મટી ગઈ છે. મૃત્યુના કિનારાઓના આશ્રય શોધતી આર્થિક પરાધીનતા મહા કરુણ જીવનપ્રસંગ બનતી જાય છે.

'પણ તારા પિતા તને હરકત પડવા ક્યાં દેતા હતા ?' પરાશરે કહ્યું.

‘એટલે મારે આમ ને આમ જીવ્યા કરવું ?’

‘તારી પત્નીનો વિચાર કરવો જોઈતો હતો.'

‘એને કાગળ લખી રાખ્યો છે.’

'હું એ બધા પત્રો ફાડી નાખું છું.’ પોતાના પત્રથી ફાડવાની શરૂઆત કરી પરાશરે ચારેક પત્રો બંધ કરેલા ફાડી નાખ્યા.

‘લાવ, હું મદદ કરું.’ કહી ડૉક્ટર કુમારે પણ બે કાગળો ચીરી નાખ્યા.

‘ચારપાંચ વર્ષ તો ઓછામાં ઓછાં લાગે જ, વૈદક કે વકીલાતમાં.’ પરાશરે જરા રહી ઓરડીમાં ફરતાં ફરતાં કહ્યું.

‘મારા સારામાં સારાં પાંચ વર્ષ ! જેમાં હું પૂર્ણ સુખને માટે શારીરિક અને માનસિક પાત્રતા ધરાવતો હોઉં તે જ જીવનના ગાળામાં હું સાધનરહિત રહું ! એવું જીવન ન જીવ્યા તોય શું ?' કુમારે જણાવ્યું.

પરાશર એકાએક સ્વસ્થ થયો. તેના મુખ ઉપર સહજ સખ્તી આવી ગઈ. સંપૂર્ણ સુખ ભોગવતો ભાસ્કર વિલાસને માર્ગે વહેતો જતો હતો ! કુમાર એવું જ સુખ ન મળતાથી આપઘાત કરવાને માટે તૈયાર બન્યો હતો ! સુખના ગુલામો ! એ જીવે કે આપઘાત કરે તેમાં સમાજને લાભ કયો ?