પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪: શોભના
 

ઉપરથી કૈંક જીવનોને માર્ગદર્શન કરાવ્યાં હતાં. પ્રેમની પ્રક્રિયા, દેહદર્શનની કલા, હાલચાલ અને બોલવાની છટા, રુદનની કલા અને જીવનમાં પડદા પાછળ રહેલાં સૂચનોનું પ્રદર્શન તેઓ જગતભરને શીખવી રહ્યાં હતાં, અને યુવકયુવતીઓને ખાસ કરી અણમોલ પદાર્થપાઠ આપી રહ્યાં હતાં. હિંદનાં યુવકયુવતીનાં હલનચલન, અંગમરોડ, વસ્ત્રાભૂષણવિધાન અને ભાવનાઓમાં ચિત્રપટોએ મહત્ત્વનો ભાવ ભજવવા માંડ્યો છે, એટલે તેમને વર્તમાન જીવનનું એક મહાન બલ કહેવામાં જરાય વાંધો નથી.

એ મહાન બલની પ્રેરક નટી વિષે અજ્ઞાન પરાશરે પૂછ્યું :

'તેં શું કહ્યું ? આણે ચાર વાર પ્રેમ કર્યો ?’

‘પ્રેમ નહિ, પ્રેમ તો અનેક વાર કર્યો; લગ્ન ચાર વખત કર્યાં. અને તે નટીએ નહિ પણ નટે.” ડૉક્ટરે ધીમે રહીને કહ્યું.

‘તો પછી નટીએ કેટલી વાર લગ્ન કર્યું ?’

'છ વાર.'

આસપાસનાં મનુષ્યો સભ્ય હતાં એટલે કોઈએ બૂમ પાડી મિત્રોને વાત કરતા રોક્યા નહિ, પરંતુ તેમણે પોતાની નાપસંદગી સ્પષ્ટ રીતે આંખથી જાહેર કરી દીધી. અંધારામાં પાડોશીઓનાં મુખ દેખાય એટલી આંખ હવે ટેવાઈ ગઈ હતી.

કામશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર જેટલા જેટલા ભાવ, અનુભાવ, શુંગાર, અંગદર્શન, સૌંદર્યદર્શન, ચેષ્ટા અને નાયિકાભેદ શબ્દોમાં બતાવે છે તે સઘળા - કદાચ તે કરતાં પણ વધી જાય એટલે - ચિત્ર અત્યંત વિગતથી સુરેખપણે પડદા ઉપર પ્રગટ કરી શકે છે. છેક નીચી કક્ષાની ટિકિટ ખરીદનાર વર્ગની બૂમાબૂમ, ખુશાલી અને તેના પ્રામાણિક પ્રદર્શનથી કંટાળી ગયેલા દેખાતા ઊંચા વર્ગમાં પણ ચિત્રની અસર થયા વગર રહેતી નહિ એ પરાશરે જોયું. પરાશર અને ડૉક્ટરની આગળ બેઠેલા એક પારસી યુગલે હાથમાં હાથ મેળવી દીધા; બાજુએ બેઠેલા એક ખાદીધારી યુવકે તેમની પાસે બેઠેલી યુવતીની ખુરશીને બીજે છેડે પહોંચે એમ હાથ લંબાવ્યો; એક મધ્યમવયી ગૃહસ્થ પોતાની ખુરશીની એક બાજુએ ઢળી પડી પોતાનું મસ્તક અને ખભો એક મધ્યમવયી પણ હસમુખાં બાઈના દેહ ઉપર ગોઠવી રહ્યા હતા.

‘જોયું ?’ ડૉક્ટર કુમારે સહજ મોજથી કહ્યું.

'હા.'

‘ન ગમ્યું, ખરું ?'