પૃષ્ઠ:Shobhana.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


સિનેમા, મુવી, ટૉકી, થિયેટર એમાંથી કયો શબ્દ અત્યારે પ્રચલિત હતો. તે પરાશર ભૂલી ગયો હતો. એ નામોની ફેશન-લઢણ સિનેમાનાં વસ્ત્રો કે સિનેમાનાં નટનટી સરખી ચલ હોય છે. આખું સિનેમાગૃહ ભરાઈ ગયું હોય એમ લાગ્યું. છતાં ઊંચામાં ઊંચી શ્રેણીમાં કુમારે અને પરાશરે સ્થાન ખરીદ્યું હોવાથી તેમને ઠીક ઠીક જગા તો મળી. કેટલાંક બેઠેલાં પ્રેક્ષકો અને પ્રેક્ષિકાઓના ઘૂંટણે ઘસડાઈને તેમના કચવાટ વચ્ચે બંને મિત્રોએ જગા લીધી.

દૃશ્ય શરૂ થઈ ગયું હતું એટલે અંધકારમાં પ્રથમ તો ચિત્ર જ સ્પષ્ટ દેખાયું; આજુબાજુ અંધકારમાં ભૂતાવળ બેઠી હોય એમ માણસોના માત્ર પડછાયા જ દેખી શકાયા.

ચિત્ર ઘણું જ સરસ હતું એમ ડૉક્ટરે કહ્યું. વર્તમાનપત્રોમાં એ ચિત્ર વિષે ઘણા જ વખાણ આવ્યાં હતાં, અને નટનટીઓની છબીઓ પણ ઘણા વખતથી પત્રોમાં આવ્યા કરતી હતી. કૉલેજના યુવકયુવતીઓ ઈતિહાસનાં પાત્રોમાં નામ કરતાં સિનેમાનાં પાત્રોનાં નામ વધારે મમતાથી યાદ રાખતાં હતાં; એટલું જ નહિ પણ એ પાત્રોનાં જીવનનો ઈતિહાસ પણ વધારે વિગતપૂર્વક જાણતાં હતાં. ચંગીઝખાન કરતાં ચાર્લી ચેપલીન, નેપોલિયન કરતાં પોલમુની, શિવાજી કરતાં સાયગલ, અને સીતા કરતાં શેરરને વર્તમાન યુગ વધારે ઓળખી ગયેલા લાગે છે.

ચિત્ર હોલીવુડમાં તૈયાર થયેલું હતું એટલે તે હિંદમાં તૈયાર થયેલા કોઈ પણ ચિત્ર કરતાં સારું હોવાનું જ. દેશી માલની માફક દેશી ચિત્રોથી પણ કચવાતો રહેતો એક ઊંચી ભમ્મરવાળો[૧] સ્ત્રીપુરુષનો વર્ગ પરદેશી ચિત્રોમાં બહુ જ ઉત્સાહ બતાવવાની ટેવવાળો હોય છે. મોટો વર્ગ બધા જ ચિત્રોને પસંદ કરે છે - ભાષા સમજાય તો. કલાને બહાને, આનંદને નામે, પ્રમાણિક શોખને કારણે અગર રૂપાળાં મુખ અને દેહ જોવાની ખુલ્લી લાલસા સાથે ચિત્રો જેવા આવનાર વર્ગ પોતાની શ્રેણી મુજબ દૃશ્યોનાં વખાણ કરવાની તક લે છે.

મુખ્ય નટ અને મુખ્ય નટી સર્વ વર્ગનાં માનીતાં હતાં. એમણે ચિત્રપટ


  1. *Eyebrow