પૃષ્ઠ:Shobhana.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મનાં પડ:૧૩૭
 

બદલવાથી મન બદલતું નથી. શોભના બીજી પાસ આવીને ઊભી રહી. ઘણી વાર ખુલ્લી આંખ કરતાં મીંચેલી આંખ વધારે દર્શનશક્તિ ધરાવે છે. પરાશરે આંખો ઉઘાડી નાખી.

ઝાંખા દીવાએ ઓરડીની સખ્ત સાદાઈનું ગંભીરતાથી પ્રદર્શન કર્યું. ક્યાં આ ઓરડી ? અને ક્યાં સ્ત્રીસૌંદર્યના ખ્યાલ ? ચાલીની મલિનતા અને ઓરડીની કઠોરતા સુંવાળી ઊર્મિઓને આવવા દે એવાં ન હતાં; છતાં એ ઊર્મિઓ સહજ ઊછળી ગઈ !

સહજ ? હૃદય ધબકી ઊઠ્યું હતું ! દેહમાં વીજળી ઝબકી ગઈ હતી ! સ્ત્રીની હાજરીમાં જે ભાવ ન આવે તે ભાવ માત્ર સ્ત્રીના સ્મરણે જાગી ઊઠ્યા હતા. !

મલિન ચાલીનો એ દોષ કે નાનકડી ઓરડીનાં એ પાપ ? જેમ સ્વચ્છતા વિલાસપ્રેરક બને છે, તેમ મલિનતા પણ વિલાસપ્રેરક બને છે !

કે રંભાની વધતી જતી મૈત્રી એ માટે જવાબદાર હતી ? રંભાને પરાશરમાં શું આકર્ષણ દેખાયું હશે તેની પરાશરને સમજણ પડતી ન હતી. છતાં રંભાનાં આહ્વાન બહુ જ સ્પષ્ટ હતાં. એ સમજવા જેટલી રસિકતા પરાશરમાં રહી હતી. સ્ત્રીપુરુષના અતિ સહવાસનું એ પરિણામ હોય !

પણ એ જે હોય તે ખરું. સહવાસનાં જે પરિણામ આવે તે ખરાં ! સ્ત્રીપુરુષને આમ સહશિક્ષણ, મૈત્રી અને સહચાર વગર ચાલે એમ નથી. કુટુંબ છોડી સ્ત્રી સમાજમાં પ્રવેશી ચૂકી છે, ગૃહ છોડી સ્ત્રી સમૂહમાં આવી ચૂકી છે. સમાજમાં પુરુષ-સ્ત્રી બન્ને હોય ! નવીન સ્વાતંત્ર્ય વધારે ચાંચલ્ય આપે; પણ હવે સ્ત્રી-પુરુષના સહકાર પાછા વળી ન જ જાય !

કદાચ સિનેમાનું દૃશ્ય આવી ઊર્મિઓ માટે જવાબદાર હોય ! સ્વતંત્ર પ્રજાઓને વિલાસ-વૈભવનો અધિકાર છે; સ્વતંત્ર પ્રજાઓને પ્રેમના પ્રયોગો કરવાની છૂટ છે; સ્વતંત્ર પ્રજાઓને લગ્ન કે અલગ્ન જીવનના અખતરાઓમાં ઊતરવાની નવરાશ છે; સ્વતંત્ર પ્રજાઓ વિલાસ, વૈભવ, વાસના ને બંધનરહિત સહચારના પ્રયોગો માટે ઉદાર દૃષ્ટિ ખીલવી શકે અને સામાજિક પુનર્ઘટના અર્થે પ્રયોગશીલ વ્યક્તિઓનાં કહેવાતાં સ્ખલનો પ્રત્યે ઉપેક્ષા, ઉદાસીનતા કે રસ વુત્તિ કેળવી શકે; પરંતુ હિંદવાસીઓ સ્વતંત્ર પ્રજાઓના અનુકરણમાં - સ્વતંત્ર પ્રજાની પ્રયોગશીલતાના વખાણમાં એક મહત્ત્વની વાત કેમ ભૂલી જાય છે? એ પ્રજાઓ સ્વતંત્રતાના વજ્રશિખરે બેસીને આ બધું કરે છે ? હિંદવાસીના માથા ઉપર તો મુગટને બદલે પગ મુકાયલો છે ! એને આ વિલાસ શા ? એને આ વાસના શી ?