પૃષ્ઠ:Shobhana.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨: શોભના
 

ઉચ્ચાર્યા; પરંતુ તેને લાગ્યું કે એ ત્રણેમાંથી કશું જ તેને આવડતું ન હતું. મુખ ઉપર તે ક્રીમ ચોપડી શક્યો હોત. ઘા ઉપર મલમ કેમ ચોપડવો તેની તેને ખબર ન હતી. પાટો બાંધવામાં કપડું ઉપર રાખવું કે રૂ. તેની પણ પરાશરને શોધખોળ કરવી પડી. અને એમ કરતાં જ્યારે પાટો બાંધ્યો ત્યારે એને જણાયું કે બિચારા બાળકના હાથ ઉપર તેણે ભૂંગળું રચ્યું હતું. શબ્દો તો તે કયા વાપરે ? સોમો નોકર હતો. એને ભાઈ, બાપુ, બચ્ચા જેવા શબ્દોથી શી રીતે સંબોધી શકાય ? દુનિયાભરના શોષિતો માટે હૃદય પીંખાઈ ગયાને ચાળો કરનાર પરાશરને લાગ્યું કે તેની બિરાદરીની ભાવના હજી બહુ જ અપક્વ હતી. સોમાને 'ભાઈ' કહેતાં તેની જીભ અટકી જતી હતી. અને તેને જગતના મજદૂરોનું બંધુત્વ જોઈતું હતું !

‘સોમા ! હવે કેમ છે ?' પરાશરે પૂછ્યું.

'સારું છે, સાહેબ ! હવે તમે ચા પીઓ. ટાઢી પડશે.’

પરાશરે સોમાને પાથરેલી જાજમ ઉપર બેસાડી રાખ્યો, અને તેણે ચાનો એક પ્યાલો તૈયાર કર્યો. સોમો હાથને દાબતો, દુઃખની સિસકારીઓ મારતો અસ્વસ્થ બેઠો હતો. સાહેબ જલદી ચા પીઈ લે તો તેનાથી જરા સુવાય એમ તેની ઇચ્છા હતી. ચા પીતા સાહેબ તરફ જોવાની અમર્યાદા ન થાય એની કાળજી રાખતા સોમાના મુખ આગળ સાહેબનો જ પ્યાલો આવીને ઊભો અને તે ચમક્યો.

‘સોમા ! લે. આ ચા તું પી.' આશ્ચર્યચકિત સોમાએ પરાશરને પોતાની પાસે બેસી ચાનો પ્યાલો ધરી આગ્રહ કરતો સાંભળ્યો. એને લાગ્યું કે પરાશરના મગજમાં કંઈ વિકૃતિ થઈ છે.

‘ના ના, સાહેબ ! એમ તે હોય ? અમને સવારે મળે જ છે ને ?' સોમાએ કહ્યું.

‘હું કહું તેમ કર.’ પરાશરે કહ્યું અને રકાબીમાં ચા કાઢી. તેણે સોમાના મુખ સામે ધરી.

‘ભાઈસાહેબ ! એમ ન થાય. એ તો આપના પ્યાલારકાબી છે; અમે પીએ તો અમને મારી નાખે.” સોમાએ કહ્યું.

માલિકો અને નોકરો વચ્ચેના ચામાં તફાવત, અને એ ચા પીવાનાં વાસણોમાં પણ તફાવત ! અલબત્ત, ચોખ્ખાઈની ચટ સમજી શકાય; પરંતુ આ તફાવત ચોખ્ખાઈને વળગી રહ્યો છે કે ઉચ્ચનીચની ભાવનાને ? ઉચ્ચ કુટુંબમાં ઘડાતો નોકર શા માટે એક કુટુંબી સરખો સ્વચ્છ ન બને ? નોકરનો દોષ કાઢતા સાહેબો અને બાઈસાહેબો ભાષણ કરી આવ્યા પછી કેમ નોંધ