પૃષ્ઠ:Shobhana.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦: શોભના
 

ન હતાં. જયાગૌરી સુધરેલાં હતાં - સુધારા યુગનાં સવારી હતાં. પરંતુ એ સુધારાની નીતિમર્યાદા લગ્નમાં જ સમાયલી હોવાથી લગ્નથી જોડાયલાં સ્ત્રીપુરુષોની પરસ્પર લોલુપતાને તે અનીતિ ગણવા તૈયાર થાય નહિ - પછી ભલે એ લોલુપતામાં વ્યભિચાર કરતાં વધારે અસંકોચ અને અમર્યાદા સમાયલાં હોય. લગ્ને છાવરેલી અનીતિ તેમને માન્ય હતી; પરંતુ નવા યુગની નવીન-અલગ્ન અનીતિનો પડછાયો પણ તેમને ખપે એમ ન હતો. ધર્મને નામે અનીતિ ગ્રાહ્ય થાય, લગ્નને નામે અનીતિ ગ્રાહ્ય થાય; પરંતુ એ જ અનીતિ અલગ્ન અવસ્થામાં ભયાનક અપરાધ બની જાય છે.

અર્ધનગ્ન ચિત્રો ચલાવી લેવાય એટલે સુધી આગળ વધેલા જયાગૌરીને, આ સંગ્રહમાં ક્યાં વાંધો પડ્યો હશે તે શોભના સમજી નહિ. સમજી તો ખરી, પરંતુ એણે ચિત્રો જોયાં જ ન હતાં એટલે તેણે કશો જવાબ ન આપ્યો.

વાંધો લેવા છતાં સંગ્રહ શોભનાને જોવા માટે મૂકી જનાર માતાનો ઉદ્દેશ ગમે તે હોય, તોપણ શોભનાએ તત્કાળ એ સંગ્રહને હાથ અડાડ્યો નહિ. માતાએ જતે જતે કહ્યું :

'શોભના !'

'હં.'

'હવે તારું ભણતર પૂરું થયું.’

'લગભગ.'

‘કશો વિચાર હવે કરવાનો છે કે નહિ ?’

'શેનો?'

'તેં કહ્યું હતું ને ? કે ભણી રહું એટલે વાત કરજે.'

શોભના કાંઈ બોલી નહિ. માતાએ તેની સામે ધારી ધારીને જોયું. સોહામણી પુત્રી હજી કપાળે ચાંદલો કરતી ન હતી; ચાંદલાનો પૂરો હક્ક હોવા છતાં.

‘પાછી છણછણાવટ ન કરીશ. તારા બાપ મોં ચઢાવશે, પણ હવે હદ થાય છે.'

‘બા ! હજી હમણાં જ પરીક્ષા પસાર કરી. આજ નોકરી મળી; જરાક તો થોભી જા !’ શોભનાએ કહ્યું.

‘પરણ્યે પાંચ વરસ વીતી ગયાં. હવે તે કેટલું થોભવાનું ?' જયાગૌરીએ કહ્યું અને કનકપ્રસાદનો જાગૃત સાદ સાંભળી તેઓ શોભના પાસેથી ચાલ્યાં ગયાં.