પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભસ્મની ઉષ્મા:૧૮૫
 

હૃદયને મજબૂતી આપે એવાં હતાં. હુલ્લડવાળા લત્તાઓને બાજુએ રાખી તેણે શોભના ને તેનાં માતાપિતાને ઘરભેગાં કયાં, પરંતુ શોભનાએ પોતાની અલગ ઓરડીમાં ચાલ્યા જવાને બદલે ભાસ્કરને પૂછ્યું :

'ભાસ્કર ! તું ક્યાં જઈશ ?’

‘મારે હજી તોફાનવાળા લત્તામાં જવું પડશે.'

‘હું સાથે આવું તો ?'

‘નકામું જોખમ વહોરવા જેવું થશે.'

‘હું તો આવીશ જ. પુરુષોના જોખમમાં સ્ત્રીઓ કેમ ભાગ ન લે ?’

‘હું પરાશરની શોધમાં જ જાઉ છું ! તને ખબર આપી જઈશ.’

‘મારે તો આવવું જ છે તારી જોડે.'

‘જયાગૌરી હા કહેશે ?'

‘એમને પૂછવું જ નથી.’

બારણું બંધ કરી જયાગૌરી અને કનકપ્રસાદ શોભનાના એકાંત આવાસને એકલો જ રહેવા દેતાં હતાં. બંનેના ખંડમાં જવાનો માર્ગ એક જ હતો, પરંતુ ઓરડા વાસ્યા પછી એકબીજાની હિલચાલ ખાસ ધ્યાન વગર સમજાતી નહિ.

સિનેમા જોયા પછી જયાગૌરી અને કનકપ્રસાદ એકાંત વધાવી લેવા ઈચ્છતાં એકરંગ બની ગયાં હોય એ સંભવિત હતું. કજળી ગયેલા વિલાસની રાખને ફંકી ટૂંકી ઉરાડી મૂકી રહીસહી ચિનગારીઓ ચમકતી બનાવવાનું કામ પણ સિનેમા આ યુગમાં કરે છે એની સાબિતી ઘણા મધ્યવયી - માબાપ બનેલાં - યુગલો આપી શકે એમ છે.

શોભના પછી ભાસ્કરની સાથે મોટરકારમાં બેસી ગઈ. ભાસ્કર સાથેની વાતચીત શોભનાને અંતરાભિમુખ બનાવી રહી હતી. તે કોને માટે આ સહાય કરતી હતી ? પરાશરને સલામત જોવા ? ભાસ્કરને સંભાળી રાખવા ? કે પુરુષોની નિર્ભયતાની બરાબરી કરવા ? ત્રણે કારણો તેને સાચાં લાગતા હતા.

હુલ્લડ શમી ગયું હતું. પોલીસના માણસો બધે ગોઠવાઈ ગયાં હતાં. લોકોની અવરજવર ઘણી જ ઓછી હતી, છતાં કોઈ કોઈ પુરુષો આમતેમ જતા હતા. ભાસ્કર ચિત્ર જોતો હતો. તે જ સમયમાં હુલ્લડ થઈ શમી ગયું હતું. માનવહૃદયમાં રહેલા રાક્ષસને બેત્રણ કલાકની જાગૃતિ બસ છે; ત્રણ કલાકમાં તો તે કૈંક છરા ખોસી શકે છે, કૈંક મકાનો બાળી શકે છે. કૈંકના માથાં ફોડી શકે છે, અને ત્રણ વર્ષ ચાલે એટલી ઉગ્રતા અને ખાર ખિલાવી