પૃષ્ઠ:Shobhana.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮: શોભના
 

ગયો.' ભાસ્કરે કહ્યું.

‘શાનું ત્રાગું ? પૈસા હોય તો જમે ને ? તમને ગાડીઓમાં ફરનારને અમારી શી ખબર પડે ?’ રતન બોલી.

‘એને જોઈતા પૈસા એ મેળવી જ લે છે. હાથે કરીને ઓછો પગાર લે એને શું કરવું ?’ ભાસ્કરે કહ્યું.

‘પણ હવે એનો પત્તો ક્યાં મેળવવો ?' રંભા બોલી.

‘હું હવે એ જ કામમાં લાગીશ. તમને બંનેને ઘેર મૂકી દઉં, અને ખબર પડશે એટલે કહી જઈશ.’ ભાસ્કરે કહ્યું, ને તેણે ચાલવા માંડ્યું.

રંભા બહુ વારથી આવી હતી. એટલે તેને સારો સંગ જોઈ ઘેર પહોંચવું હતું. શોભનાના પગ પ્રથમ તો ઊપડ્યા નહિ. એને ત્યાં જ બેસી રહેવાનો વિચાર થયો. રતનની સાથે પરાશર સંબંધી વધારે સ્પષ્ટ વાત કરવાનું મન થયું. અનેક પ્રકારની ઊર્મિઓનાં વમળ તેનાં અંતરમાં ઊપડ્યાં. પરંતુ એ સર્વને દાબી ભાસ્કરની સાથે તે ચાલી ગઈ. જત જતે તેણે રતનના શબ્દો સાંભળ્યા :

'છે કોઈને કાંઈ !’

કદાચ એ શબ્દો ભ્રમણા પણ હોય !

પરંતુ શોભનાના હૃદયમાં શું ખટકી જતું હતું ? શૂળ ? હૃદયની નબળાઈ ? ક્યારનું કાંઈ તેના હૃદયમાં દુખ્યા કરતું હતું.

કારમાં તે પહેલી બેસી ગઈ; રંભા તેની જોડે બેઠી. ભાસ્કર રંભા સાથે બેઠો, તેનો ખ્યાલ શોભનાને રહ્યો ન હતો. અંધારી રાત્રિમાં દીવા પ્રકાશ વેરતા હતા; પરંતુ એ પ્રકાશ ગાડીની બહાર હતો. તોફાનવાળા રસ્તાઓમાં થઈ ગાડી જતી ન હતી. છતાં એ રસ્તાઓ પાસેથી જતાં એટલું તો સમજાતું હતું કે પોલીસ જાગૃત હતી.

શોભનાને એકાએક લાગ્યું કે તેના દેહને હાથ અડકતો હતો. સાથે સાથે રંભા પણ બોલી ઊઠી :

‘હાય હાય ! મને એટલી બીક લાગી !'

‘મને પણ એમ લાગ્યું કે તને બીક લાગી.' ભાસ્કરે કહ્યું.

‘ને બીક લાગી માટે તેં હાથ મૂક્યો ? કે તેં હાથ મૂક્યો માટે મને બીક લાગી ?' રંભાએ જરા હસીને પૂછ્યું.

શોભનાને લાગ્યું કે ભાસ્કર પોતાની ટેવ પ્રમાણે સાથે બેસનારનો હાથ શોધતો હતો. રંભાએ ચમકીને ભાસ્કરના કૃત્યને જાહેરમાં મૂક્યું.

ભાસ્કર કદાચ દક્ષ નાયકની રમત રમતો હોય તો ? બંને