પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬: શોભના
 


ઘનશ્યામરાયની ચિઠ્ઠી લેઈ કનકપ્રસાદે શહેરનિવાસ કર્યો. શાળાની શાંત નોકરી સ્વીકારી લીધી, અને શોભનામાં સઘળું મમત્વ કેન્દ્રીત કરી જોરમય જાહેરજીવન ગાળવાના વિચારને વહેતો મૂકી વર્તમાનપત્રોના વાંચનમાં જ પોતાની બાહ્ય પ્રવૃત્તિ સમેટી લીધી.

શોભના મૅટ્રિકમાં આવી; તેનો દેહ પણ ઘાટીલો બન્યો; સ્ત્રીત્વના બાહ્ય લક્ષણ તરીકે નવલકથાઓ વાંચવાનો શોખ વધેલો તેનાં માતાપિતાએ નિહાળ્યો. યૌવનની ઉષાનાં શાંત પણ સમજાતા - ન સમજાતાં રંગીન અજવાળાં તેના હૃદય ઉપર ફરી વળ્યાં. પરણવું એટલે શું? પ્રેમ એટલે શું ? વગેરે યૌવનપ્રવેશના સાંકેતિક વિચારો તેને આવવા લાગ્યા - પ્રથમ એની જાણ બહાર અને પછી ભાન સહ.

વાચન વિસ્તૃત હોવાથી સ્ત્રીઓની સ્વતંત્રતાના ખ્યાલ પણ તેને આવતા જ રહ્યા. સ્ત્રી એ દાસી નથી, પુરુષની સમોવડી છે, પુરુષની સહ-અધિકારી છે એવી એવી વિચારશ્રેણીએ તેના માનસને ઘડવાનું શરૂ કરી દીધું.

પરંતુ પ્રેમની અને સ્વાતંત્ર્યની ઉગ્ર ઊર્મિ પૂરી જામે તે પહેલાં અનેક યુવતીઓને બને છે તેમ શોભનાને પણ બન્યું. તેનાં વિવાહ અને લગ્ન નક્કી થઈ ગયાં.

‘બહેન ! પેલા બંગલાવાળા જાગીરદાર તને સાંભરે છે કે ?’ માતાએ એક દિવસ શાળામાં આવતી શોભનાને ઘરમાં પેસતાં બરોબર પૂછ્યું.

‘હા, કેમ ?’ શોભનાએ જવાબ આપ્યો.

'તું કપડાં બદલી આવ, પછી કહું.’

શોભના કપડાં બદલી આવી. કનકપ્રસાદ વર્તમાનપત્રો વાંચતા બેઠા હતા. માતાએ વાત લંબાવી :

‘એ જાગીરદારનો દીકરો તને યાદ છે ?’

'ના.'

‘કેમ ? પેલો ઘોડા ઉપર બેસીને જતો... અને કોઈ વાર ગાડી હાંકતો... એકબે વખત તો આપણે પણ બેસીને ગયેલાં સાંભરે છે ?'

‘હા, સહજ યાદ છે.’ શોભનાએ બહુ મહેનત કરી, ઝાંખી બનેલી યાદને તાજી કરી.

‘એ બી.એ. થઈ ગયો, અને હવે સિવિલિયન થવા વિલાયત જવાનો છે.'

‘ભાઈ ! છોકરીઓથી સિવિલિયન ન થવાય ?’ શોભનાએ વચ્ચેથી