પૃષ્ઠ:Shobhana.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦: શોભના
 

શકી. એ જવાબ તેણે ટપાલમાં નાખ્યો નહિ, કારણ તેને એ તક - એકલી છાનેમાને કાગળ પેટીમાં નાખી આવવાની તક - મળી જ નહિ.

અને બીજે દિવસે પાછો એક કાગળ તેને મળ્યો. ધડકતે હૈયે ઉઘાડેલા એ પત્રે તેના હૃદયધડકારને લગભગ બંધ પાડી દીધો.

ધનિક ઘર છોડી સર્વ સંબંધ તોડી જનતામાં ડૂબી જતા પતિએ તેને આખો ભૂતકાળ ભૂલી જવા વિનંતી કરી હતી !

શોભના પ્રેમમાં, કુતૂહલમાં છબછબાટ કરતી હતી. તે ઊંડા વમળમાં ડૂબી ગઈ. અને એ ડૂબકીમાંથી ઉપર આવતાં એ જુદી જ શોભના બની ગઈ. એને પોતાના સ્ત્રીત્વ માટે ગૌરવભાવ જાગ્રત થયો. પુરુષોના ઉપર આધાર રાખવાની સ્ત્રીપરાધીનતા પ્રત્યે તેને તિરસ્કાર આવ્યો. પુરુષને જ પડછાયે પ્રતિષ્ઠા પામતા સ્ત્રી વર્ગમાં ભળી જવાની કાયરતા તેને શરમાવી રહી. પ્રેમના વિચારોને એણે પડતા મૂક્યા. દેહ શોભાવવાની વૃત્તિ ઉપર તેણે અંકુશ મૂકી દીધો. અભ્યાસમાં તે ખૂબ પરોવાઈ, અને ક્રાંતિકારી વિચારોનું વાચન અને મનન તેણે શરૂ કરી દીધું.

એ આગ્રહભર્યા, અતડા, પુરુષરહિત જીવનમાં તેણે ચારપાંચ વર્ષ વિતાવ્યાં. પુરુષો પ્રત્યે તેણે અમુક અંશે અભાવ પણ કેળવ્યો, અને તેની આસપાસ ઊડતાં પુરુષપતંગિયાંને તેમની તુચ્છતા અને પોતાની અસ્પૃશ્યતાનું પણ તેને ભાન કરાવી દીધું. પુરુષોના સહવાસથી - સહઅભ્યાસથી - તે જરાય સંકોચ પામતી નહિ. કારણ તેને કોઈ પુરુષથી આકર્ષાવું ન હતું, અને કોઈ પુરુષને પોતાના પ્રત્યે આકર્ષાવા દેવો ન હતો. તે વર્ગમાં, સભાઓમાં, રસ્તામાં, ટોળામાં સ્વાભાવિકપણું સાચવી રહી હતી. સ્ત્રીત્વની મૃદુતા, સ્ત્રીત્વનો સંકોચ, સ્ત્રીત્વની પરાધીનતા, અને સ્ત્રીસહજ આકર્ષણપ્રયોગોનો કદી તે આશ્રય લેતી નહિ. રડવું તેને આવતું નહિ, અને એ હસતી પણ બહુ જ થોડું.

પતિના પત્રે તેને એક પ્રકારની મુક્તિ આપી દીધી એમ પણ તેને લાગ્યું. એ પ્રેમને, પતિને, લગ્નને ભૂલવા મથી રહી. વર્ષો વીત્યે સહુ ભુલાય છે.

છતાં કદી કદી ભૂલમાં એને કુતૂહલ થઈ આવતું. સ્ત્રીઓ પુરુષો પ્રત્યે કેમ પ્રેમ ધારણ કરી શકતી હશે ? સ્ત્રીઓ શા માટે પરણી જતી હશે?

અને....અને ક્વચિત્ તેનું મન અને તેનો દેહ કાંઈક સંસર્ગને માટે પોકાર પણ કરી ઊઠતાં હતાં ! તે એકલી હોય ત્યારે, તે આયનામાં જોતી હોય ત્યારે, તે એકાંતમાં બેપરવાઈથી સૂતી હોય ત્યારે, તે નહાતી હોય ત્યારે કોઈ એવી અણુ અણુ જાગ્રત કરતી ઊર્મિ અનુભવતી કે તેને તકિયાને