પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિશાંતિ :૨૨૧
 


બપોરના ત્રણનો શુમાર એ પગે ચાલવા માટે ભાગ્યે જ અનુકૂળ સમય માની શકાય; પરંતુ શ્રમજીવીઓના દેશમાં કોઈને થાકવાનો અધિકાર નથી. ને નેતૃત્વ ઈચ્છતા યૌવનથી તો તાપ, ટાઢ કે થાકનું નામ દેવાય જ નહિ. ગાડી, મોટર અને બસની સતત શર્ત વચ્ચે પરાશર પગે ચાલતો આગળ વધ્યો. એકબે વળાંક આગળ તે સહજ ધીમો પડતો. અને રસ્તે જતા કોઈ કોઈ માણસના ધ્યાનનો વિષય પણ બનતો. અડધે પોણે કલાકે તે શોભનાના ઘર પાસે આવ્યો. ક્ષણભર તે સીડી આગળ અટક્યો. તેણે ઊંચે જોયું. છજુ ખાલી હતું. તે સીડી ઉપર ધીમે ધીમે ચડ્યો.

‘કોનું કામ છે ? શોભનાનું ?’ જયાગૌરીએ પોતાના ખંડ પાસે થઈ જતા પરાશરને પૂછ્યું.

'હા જી.’ પરાશરે જવાબ આપ્યો. શોભનાએ નોકરી શરૂ કરી ત્યારથી તેને મળવા ઘણાં માણસો આવતાં હતાં. જયાગૌરીને નવાઈ ન હતી. તેમણે કહ્યું :

‘છજામાં થઈને જાઓ.'

પરાશરે છજામાં પ્રવેશ કર્યો. તેને ઘડીમાં આગળ જવાનું અને ઘડીમાં પાછા જવાનું મન થતું હતું. પરંતુ છજું બહુ લાંબું ન હતું. એકાએક ઓરડાનું બારણું આવ્યું. શોભના એક પુસ્તક જોતી હતી. તેની સામે ચાનો સામાન પડ્યો હતો.

પરાશરે ખુલ્લા બારણાની બારસાખ, આંગળીથી ખખડાવી. શોભનાએ પુસ્તકમાંથી બારણા તરફ જોયું. શોભનાના હાથમાંનું પુસ્તક હાલી ગયું.

‘હું આવી શકું ?' પરાશરે બહુ જ ધીમેથી પૂછ્યું. આવનારને ના પાડવી - અને તે આપણને જોઈ જાય ત્યાર પછી - એ બહુ જ મુશ્કેલ કામ છે. શોભના યંત્રવત્ બોલી:

'હા'

પરાશર ઓરડીમાં આવ્યો. નીચું જોઈ રહેલી શોભનાની સામે મૂકેલી એક ખુરશી ઉપર તે બેસી ગયો. થોડી ક્ષણ સુધી બન્ને યુવકયુવતી શાંત બેસી રહ્યાં.

‘હું રોકતો નથી ને ?’ બોલવાનો વિષય ઝટ યાદ ન આવવાથી પરાશરે પૂછ્યું. ભલભલા નેતાઓ અને ગુંડાઓથી ન બીતો પરાશર શોભનાની સામે નિર્બળતા અનુભવતો હતો ? શોભનાને આજ તે પહેલી વાર મળ્યો ન હતો - અલબત્ત, તેને એકલીને મળવાનો આ પ્રથમ પ્રસંગ જ